Vadodara Road Rage: શાસ્ત્રી બ્રિજ પર હોર્ન વગાડવા બાબતે દંપતી પર હીચકારો હુમલો, 5 ઈસમો ઓવરટેક કરીને તૂટી પડ્યા

વડોદરાના શાસ્ત્રી બ્રિજ પર હોર્ન વગાડવા અને ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે દંપતી પર પાંચ શખ્સોએ હુમલો કર્યો. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં ગોરવા પોલીસે ગણતરીના કલાકોમાં જ તમામ પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 21 Sep 2026 05:06 PM (IST)Updated: Mon, 21 Sep 2026 05:06 PM (IST)
vadodara-road-rage-5-arrested-for-attacking-couple-over-honking-at-shastri-bridge

Vadodara Shastri Bridge Road Rage: શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા શાસ્ત્રી બ્રિજ પર રોડ રેજની એક ગંભીર ઘટના સામે આવી છે. ટુ વ્હીલર પર પસાર થઈ રહેલા એક દંપતી સાથે હોર્ન વગાડવા અને ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં જાહેર રોડ પર જ દંપતી સાથે બળજબરીથી મારામારી કરવામાં આવી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, દંપતી પોતાના વાહન પર બ્રિજ પરથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે પાછળથી ઈ-રિક્ષા સહિત અન્ય વાહનોમાં આવેલા આશરે પાંચ જેટલા શખ્સોએ હોર્ન મારવા મુદ્દે તકરાર શરૂ કરી હતી.

સામાન્ય બોલાચાલી જોતજોતામાં વધી ગઈ હતી અને પાંચેય શખ્સોએ દંપતીને વચગાળાના રસ્તે ઘેરી લીધું હતું. જે બાદ જાહેર માર્ગ પર જ દંપતી પર હુમલો કરી માર મારવામાં આવ્યો હતો.

આ ઘટનાને કારણે શાસ્ત્રી બ્રિજ પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જાહેર રસ્તા પર લોકો એકઠા થતાં અને વાહનોની અવરજવર અટકી જતાં રોડ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી.

ઘટના સમયે હાજર એક નાગરિકે આ સમગ્ર મારામારીનો વીડિયો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં જ વડોદરાની ગોરવા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. વાયરલ વીડિયોને મહત્વપૂર્ણ પુરાવો ગણીને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

ગોરવા પોલીસે ગણતરીના કલાકોમાં જ ઘટનામાં સામેલ તમામ પાંચેય આરોપીઓની ઓળખ કરીને તેમની અટકાયત કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા તમામ આરોપીઓ ગોરવા-ગાયત્રીનગર અને મોતીનગર વિસ્તારના રહેવાસી છે. પોલીસે પાંચેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ શરૂ કરી છે.

જાહેર માર્ગો પર વધતી જતી આવી હિંસક ઘટનાઓએ વાહનચાલકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે, પરંતુ પોલીસની ઝડપી કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં કડક સંદેશ ગયો છે.