સુરતમાં લૂંટ-હત્યાના ગુનામાં 25 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો, પોલીસે ઝારખંડના નક્સલી એરિયામાં પોસ્ટમેન બનીને દબોચ્યો

સુરત પોલીસે 25 વર્ષથી ફરાર લૂંટ અને હત્યાના આરોપી મિથિલેશ મેનેજરસિંહ ભૂમિહારની ઝારખંડના નક્સર પ્રભાવિત વિસ્તારમાંથી ધરપકડ કરી છે. પોલીસે પોસ્ટમેનનો વેશધારણ કરીને વૉચ ગોઠવ્યા બાદ 20 હજારના ઈનામી આરોપીને દબોચ્યો હતો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 21 Sep 2026 04:49 PM (IST)Updated: Mon, 21 Sep 2026 04:49 PM (IST)
surat-crime-branch-arrests-fugitive-after-25-years-in-jharkhand-naxal-area

Surat: સુરતના ઉધના તથા લીંબાયત પોલીસ મથકના લૂંટ તથા મર્ડરના ગુનામાં 25 વર્ષથી નાસતા ફરતા આરોપીને સુરત PCB પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી સુરત શહેરના મોસ્ટ વોન્ટેડ ટોપ 16 પૈકીનો એક આરોપી હતો અને તેના પર 20 હજાર રૂપિયાનું ઇનામ જાહેર થયું હતું. PCB પોલીસની ટીમે આરોપીને ઝારખંડના નક્સલી એરિયામાંથી પોસ્ટમેનનો વેશ ધારણ કરીને ઝડપ્યો હતો

સુરતમાં વર્ષ 2001માં ઉધના તથા લીંબાયત પોલીસ મથકમાં લૂંટ તથા મર્ડરનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં સંડોવાયેલો આરોપી મીથીલેશ મેનેજરસિંગ ભૂમિહાર છેલ્લા 25 વર્ષથી ફરાર હતો. આ દરમ્યાન આરોપીને પકડવા માટે PCB પોલીસની ટીમે ચક્રોગતિમાન કર્યા હતા.

PCB PI આર.એસ. સુવેરાના માર્ગદર્શન હેઠળ પોલીસે તપાસ કરતા આરોપી હાલ પલામુ જિલ્લાના પાંકી બ્લોકના પીપરાહટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સીરમ [ટોલા] ગામ ખાતે રહેતો હોવાની માહિતી મળી હતી.

પોલીસ આ વિસ્તારથી માહિતગાર થતા ઝારખંડ રાજ્યનો સૌથી વધુ નક્સલાઈટ પ્રવુતિથી સંકળાયેલો વિસ્તાર હોવાની માહિતી જાણવા મળી હતી અને આરોપીને સુધા પોલીસ તરીકે જઈને પકડવો જોખમી હતો.

જેથી આરોપી સુધી પહોચવા માટે પીસીબી પોલીસની ટીમે પોસ્ટમેનનો વેશ ધારણ કરી અલગ અલગ ટપાલના થેલા સાથે આરોપીના સરનામાનું ટપાલનું કવર બનાવી ટપાલ આપવાના બહાને ગામ લોકોને પોતે ટપાલી હોવાની ઓળખ આપી આરોપીના ઘરનું સરનામું પૂછતા પૂછતાં આરોપીના ઘર સુધી PCB પોલીસની ટીમ પહોચી હતી અને આરોપી મીથીલેશ મેનેજરસિંગ ભૂમિહાર [ઉ.૪૭] મળી આવતા તેને પકડીને અતિ જોખમી નક્સલાઈટ વિસ્તારમાંથી તેને બહાર લાવી સુરત લઇ આવી હતી.

આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, વર્ષ 2001માં તેણે તથા તેના મિત્રોએ ઉધના ગામ જુના પેટ્રોલપંપ ખાતે હથિયાર વડે લૂંટ કરી હતી અને તેઓએ ફાયરીંગ કરતા પેટ્રોલપંપના મેનેજરનું મોત થયું હતું. જે ગુનામાં આરોપી વોન્ટેડ હતો. આરોપીને સુરત લાવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી માટે તેનો કબજો ઉધના પોલીસને સોપવામાં આવ્યો હતો

વધુમાં સુરત શહેરમાં મોસ્ટ વોન્ટેડ ટોપ-16 આરોપી પૈકીનો એક આરોપી હતો અને તેને પકડી પાડવા પર 20 હજાર રૂપિયાનું ઇનામ જાહેર થયું હતું. આરોપી સામે લીંબાયત પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં તેની ધરપકડ અગાઉ થઇ ચૂકી હતી, પરંતુ તે જામીન પર મુક્ત થયો હતો અને નામદાર કોર્ટમાં મુદતે હાજર રહેતો ન હોવાથી કોર્ટ દ્વારા આરોપીનું પકડ વોરંટ કાઢવામાં આવ્યું હતું

ઉલ્લેખનીય છે કે, અગાઉ સાડા ત્રણ વર્ષ દરમ્યાન PCB પોલીસ દ્વારા 10 વર્ષથી વધુ સમયથી ખૂન, ખૂનની કોશિશ, ધાડ, લૂંટ જેવા ગંભીર ગુનાઓમાં નાસ્તા ફરતા કુલ 56 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે જે પૈકી કુલ 16 ઇનામી આરોપી પકડી પાડવામાં આવ્યા છે.