સુરતમાં મોબાઈલ સ્નેચિંગ ગેંગ ઝડપાઈ: 58 મોબાઈલ અને બાઈક સહિત રુ 6.10 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરતમાં સિંગણપોર પોલીસે બે મોબાઈલ સ્નેચર અને ચોરીના મોબાઈલ ખરીદનાર દુકાનદારને ઝડપી પાડ્યા. 58 મોબાઈલ અને બાઈક સહિત 6.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 21 Sep 2026 02:19 PM (IST)Updated: Mon, 21 Sep 2026 02:19 PM (IST)
surat-mobile-snatcher-stolen-mobile-buying-shopkeeper-arrested-58-mobiles-6-10-lakh-seized

Surat News: સુરતમાં સિંગણપોર પોલીસની ટીમને બે મોબાઈલ સ્નેચર અને તેમની પાસેથી મોબાઈલ ખરીદનારા દુકાનદારને ઝડપી પાડવામાં સફળતા સાંપડી છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 58 મોબાઈલ, 1 બાઈક મળીને કુલ 6.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ હાલ સિંગણપોર પોલીસ આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સિંગણપોર પોલીસે 2 મોબાઈલ ચોરને પકડ્યા

મળતી માહિતી મુજબ, સુરતમાં સિંગણપોર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસે વિજયરાજ સર્કલ પાસેથી નંબર પ્લેટ વગરની બાઈક પર પસાર થતાં રોહિત દિનેશ યાદવ (19 વર્ષ) અને સત્યમ રાજકુમાર ઝા (19 વર્ષ)ની અટકાયત કરી હતી. પોલીસે આરોપી પાસેથી 3 મોબાઈલ અને બાઈક કબ્જે કરીને પૂછપરછ હાથ ધરી હતી.

50થી વધુ ફોન સ્નેચિંગની કરી કબૂલાત

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, રોહિત યાદવ અને અન્ય સહ આરોપી સાથે મળીને છેલ્લા દોઢેક મહીનામાં 50થી વધારે મોબાઇલ શહેરના અલગ અલગ વિસ્તારમાંથી સ્નેચિંગ કર્યા હતા. તેમજ આરોપીઓએ ચોરી કરેલા મોબાઈલ નવનાથ ખાડામાં સ્થિત મહાદેવ મોબાઈલના માલિક રમેશકુમાર ભગારામ પ્રજાપતિને વેચાણ અર્થે આપ્યાનું કબૂલ્યુ હતું.

દુકાનદાર પાસેથી 4 લાખના ફોન મળ્યા

પોલીસે મોબાઈલ દુકાનના માલિક રમેશકુમાર પ્રજાપતિને ઝડપી લઈને તેની દુકાનની તપાસ કરી હતી. જ્યાંથી તપાસ દરમિયાન અંદાજે 4 લાખની કિંમતના 55 મોબાઈલ મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપી રોહિત યાદવ અને સત્યમ ઝા નંબર પ્લેટ વગરની સ્પોર્ટ બાઇક પર ફરીને રાહદારીઓ પાસેથી મોબાઈલ સ્નેચિંગ કરતા હતા.

પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી

આ મોબાઈલ નજીવી કિંમતે રમેશકુમાર પ્રજાપતિને વેચાણથી આપતા. રમેશકુમાર પ્રજાપતિ તે મોબાઈલમાંથી જરૂરી સ્પેરપાર્ટ અન્ય મોબાઈલમાં પ્લાન્ટ કરી તેમજ સ્પેરપાર્ટ બજારમાં વેચાણ કરી દેતા હતા. હાલ આ મામલે સિંગણપોર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તેમજ આ મામલે જેના ફોન ચોરાયા છે. તેમના માલિકોને ફોન પરત કરવાની તજવીજ હાથ ધરી છે.