Ambaji Bhadarvi Poonam Mela: અંબાજી મેળામાં ‘કોઈ માઈભક્ત ભૂખ્યો ન રહે’ના ભાવ સાથે અન્નસેવાનો મહાયજ્ઞ

અંબાજી ભાદરવી પૂનમના મેળાનો ભક્તિમય માહોલ વચ્ચે પ્રારંભ થયો છે, જ્યાં વહીવટી તંત્ર અને ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓ માટે ભોજન, આરામ અને અન્ય સુવિધાઓની વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. 'કોઈ માઈભક્ત ભૂખ્યો ન રહે'ના ભાવ સાથે વિવિધ સ્થળોએ વિનામૂલ્યે અન્નસેવા કેમ્પો કાર્યરત છે, જેની યાત્રાળુઓ પ્રશંસા કરી રહ્યા છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 21 Sep 2026 04:27 PM (IST)Updated: Mon, 21 Sep 2026 04:27 PM (IST)
ambaji-bhadarvi-poonam-mela-free-food-services-mega-annak-khsetra-arrangements-for-pilgrims
HIGHLIGHTS
  • માઈભક્તો માટે વિવિધ સ્થળોએ નિઃશુલ્ક ભોજનની સુવિધા

Ambaji Bhadarvi Poonam Mela: જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો ભક્તિમય માહોલ વચ્ચે પ્રારંભ થયો છે ત્યારે દેશના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં માઈભક્તો અને પદયાત્રીઓ અંબાજી ધામ તરફ આવી રહ્યા છે.

યાત્રાળુઓને ભોજન, પ્રસાદ અને આરામ સહિતની સુવિધાઓ સરળતાથી મળી રહે તે માટે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે.

મેળા દરમિયાન અંબાજી ખાતે વિવિધ સ્થળોએ વિનામૂલ્યે ભોજનની વિશાળ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. દિવાળી બા ગુરૂભવન ધર્મશાળા ખાતે અંબિકા અન્નક્ષેત્ર, સિંહદ્વારની બાજુમાં વ્યંકટેશ માર્બલ-ઇનોગેશન ડોમ, યોગેશ્વર પાર્ક સોસાયટીના પ્રવેશદ્વાર પાસે સિદ્ધહેમ સેવા કેમ્પ, શ્રી આપેશ્વર મહાદેવ ખાતે દાતાશ્રી દ્વારા, ગબ્બર તળેટીમાં સહકાર ગ્રુપ દ્વારા, કામાક્ષી પાર્કિંગની બાજુમાં તેમજ ગનાપીપળી ઘાટી ખાતે દાતાશ્રી દ્વારા ભોજનની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

આ ઉપરાંત અંબાજી તરફ આવતા પાલનપુર-અંબાજી, દાંતા-અંબાજી અને ડીસા-અંબાજી સહિતના મુખ્ય માર્ગો પર સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિવિધ સેવા કેમ્પો કાર્યરત કરવામાં આવ્યા છે. આ કેમ્પોમાં પદયાત્રીઓ માટે પીવાનું પાણી, ચા-નાસ્તો, ભોજન તથા આરામની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

માઈભક્તોને મા અંબાના પ્રસિદ્ધ મોહનથાળના પ્રસાદનો લાભ મળી રહે તે માટે પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રાળુઓની સુવિધા અને સલામતીને ધ્યાનમાં રાખીને સેવા કેમ્પોની વ્યવસ્થા સુચારુ રીતે કરવામાં આવી છે.

મેળા દરમિયાન ભક્તોને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમો દ્વારા વિવિધ ભોજનશાળાઓ અને સેવા કેમ્પોની મુલાકાત લઈ ખાદ્યસામગ્રી તથા ભોજનની ગુણવત્તાની સતત ચકાસણી કરવામાં આવી રહી છે. આ કામગીરી થકી યાત્રાળુઓને સ્વચ્છ, સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ભોજન મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.

બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષશ્રી મિહિર પટેલ દ્વારા તમામ માઈભક્તોને અંબાજી ધામમાં શાંતિપૂર્ણ અને સુગમતાથી મા અંબાના દર્શન કરવા તેમજ વહીવટી તંત્ર અને દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી વિવિધ સુવિધાઓનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

અંબાજીમાં ભોજન સેવા જોઈ યાત્રાળુઓ બોલ્યા: તંત્રનો દિલથી આભાર

પિયુષભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે, અંબાજી ભાદરવી પૂનમના મેળામાં દર્શન માટે આવ્યા છીએ. અહીં વહીવટી તંત્ર અને સરકાર દ્વારા ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. ભોજન માટે પણ સુંદર વ્યવસ્થા છે.

દાળ, ભાત, શાક, લાડુ, બુંદી સહિતનું સ્વાદિષ્ટ અને ગરમ ભોજન મળી રહ્યું છે. શાંતિથી બેસીને જમી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આટલી મોટી સંખ્યામાં આવતા યાત્રાળુઓ માટે કરાયેલી સુંદર વ્યવસ્થા બદલ તંત્ર અને સરકારનો ખૂબ ખૂબ આભાર.

અશોકભાઈ પરમારે જણાવ્યું કે, અંબાજી મેળામાં આવતાં યાત્રાળુઓ માટે ભોજનથી લઈને અન્ય સુવિધાઓની ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. ભોજનમાં દાળ, ભાત, શાક, લાડુ, બુંદી સહિતનો સરસ જમણવાર પીરસવામાં આવી રહ્યો છે. સેવા કેમ્પમાં સ્વચ્છતા અને વ્યવસ્થા પણ સારી છે.

યાત્રાળુઓને કોઈ અગવડ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ સુંદર આયોજન બદલ જિલ્લા વહીવટી તંત્ર અને સરકારનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.