Vadodara: નેશનલ હાઈવે પર દારૂડિયા આઈસર ડ્રાઈવરે બાઈકને અડફેટે લીધુ, કપડાની ખરીદી કરવા નીકળેલા ભાઈ-બહેનનું મોત

વડોદરા નેશનલ હાઈવે પર આઈસર ટ્રક અને બાઈક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ભાઈ-બહેનનું કરુણ મોત નીપજ્યું છે. પોલીસે અકસ્માત સર્જનાર પીધેલા ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 19 Oct 2026 11:32 PM (IST)Updated: Mon, 19 Oct 2026 11:32 PM (IST)
vadodara-road-accident-runk-eicher-truck-driver-hits-bike-brothersister-killed
ફાઈલ ફોટો

Vadodara Accident: વડોદરા નેશનલ હાઈવે પર આવેલી ગિરનાર હોટલ નજીક આઈસર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બાઈક પર સવાર ભાઈ-બહેનના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. જ્યારે અકસ્માત સર્જનાર પીધેલા ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે.

સુરતમાં રહેતો સુનિલ ખાસ ગરબા જોવા માટે વડોદરા આવ્યો હતો

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મકરપુરા વિસ્તારના સોનાપાર્કમાં રહેતા લક્ષ્મીદેવી દુબેના પતિ આફ્રિકામાં નોકરી કરે છે. જ્યારે અહીં તેઓ પોતાની ત્રણ દીકરીઓ સાથે રહે છે. જ્યાં સુરતના હજીરાથી લક્ષ્મીદેવીના જેઠનો દીકરો સુનિલ દુબે (24) નવરાત્રીના ગરબા જોવા માટે કાકાના ઘરે વડોદરા આવ્યો હતો. સાંજે સુનિલ તેની પિતરાઈ બહેન અર્પણાને લઈને બાઈક પર કપડાની ખરીદી કરવા નીકળ્યો હતો.

તેમનું બાઈક જામ્બુવા અને તરસાલી બ્રિજ વચ્ચે ગિરનાર હોટલ નજીકથી પસાર થઈ રહ્યું હતુ, ત્યારે પુરપાટ આવતા આઈસરે તેમને ટક્કર મારી હતી. જેના પગલે બાઈક સવાર ભાઈ-બહેર ફૂટબોલ માફક હવામાં ફંગોળાઈને નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં ગંભીર ઈજાને પગલે સુનિલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. જ્યારે અર્પણાને ગંભીર હાલતમાં સારવાર અર્થે સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તેણે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.

આ અકસ્માતના પગલે આસપાસના લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતુ અને ભાગવાનો પ્રયાસ કરી રહેલા આઈસરના ચાલકને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. બી તરફ લક્ષ્મીદેવીની ફરિયાદના આધારે કપુરાઈ પોલીસે આઈસર ચાલક લક્ષ્મણલાલ તાબિયાડ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની અટકાયત કરી છે. જે નાશાની હાલતમાં હોવાનું સામે આવતા પોલીસે મેડિકલ ચેકપઅ કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.