Vadodara: શહેરમાં એકતરફ નવરાત્રીની ધામધૂમથી ઉજવણી ચાલી રહી છે અને સમગ્ર પોલીસ કાફલો સુવિધા તથા બંદોબસ્તમાં વ્યસ્ત છે, ત્યારે બીજી તરફ તસ્કરોએ આ સ્થિતિનો ગેરલાભ ઉઠાવીને પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે. ગોત્રી અને સુભાનપુરા વિસ્તારમાં આવેલા બે બંધ મકાનોને નિશાન બનાવી તસ્કરો કુલ રૂ. 16 લાખથી વધુની મત્તા ચોરીને ફરાર થઈ જતાં રહીશોમાં ફફડાટ ફેલાયો છે.
સુભાનપુરામાં વેપારીના બંધ મકાનમાંથી રૂ. 6.90 લાખની મત્તા સફાચટ
સુભાનપુરાના આત્મજ્યોતિ આશ્રમ નજીક અખંડદીપ ટેનામેન્ટમાં રહેતા અને નોવેલ્ટીની દુકાન ધરાવતા દીપક રવજીભાઈ પ્રજાપતિના પરિવારજનો રાત્રે ગરબા જોઈને આવ્યા બાદ રવિવારે સવારે રણુ તુલજા ભવાની માતાજીના દર્શને ગયા હતા. આ દરમિયાન પ્રથમ માળનો દરવાજો ખુલ્લો જણાતાં પડોશીએ ફોન કરીને જાણ કરી હતી.
જે બાદ દિપકભાઈએ ઘરે આવીને તપાસ કરતા કબાટમાં રાખેલી પેટીના તાળાં તૂટેલાં હતાં. તસ્કરો મકાનમાંથી રૂ. 2 લાખની રોકડ, 30 ગ્રામનું સોનાનું મંગળસૂત્ર, સોનાની વીંટીઓ, બુટ્ટી, 750 ગ્રામ ચાંદીના દાગીના તથા સિક્કા મળી કુલ રૂ. 6.90 લાખનો મુદ્દામાલ ચોરી ગયા હતા. આ મામલે ગોરવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગોત્રીમાં ચૌહાણ પરિવારના બંધ ફ્લેટમાં તસ્કરોનો હાથફેરો
ચોરીનો બીજો બનાવ ગોત્રી અયપ્પા ટેમ્પલ નજીક આવેલા હેલી એવન્યુમાં બન્યો હતો. અહીં ફ્લેટ નંબર 204માં રહેતા ફાલ્ગુનીબેન ચૌહાણ પરિવાર સાથે અમદાવાદ ગયા હતા. રવિવારે બપોરે તેઓ પુત્રના કપડાં લેવા માટે વડોદરા પરત આવ્યા, ત્યારે ફ્લેટના મુખ્ય દરવાજાના તાળાં તૂટેલાં અને ઘરનો સામાન વેરવિખેર હાલતમાં મળ્યો હતો.
તસ્કરો ફ્લેટમાંથી સોનાનું મંગળસૂત્ર, ચેઈન, વીંટીઓ, બંગડી, સોનાની લગડીઓ, પેન્ડન્ટ અને બુટ્ટીઓ, અઢી કિલો જેટલી ચાંદીની વસ્તુઓ લગડી, થાળી, કંકાવટી, ગ્લાસ, ડીશ, દીવીઓ અને સિક્કા, રૂ. 1.25 લાખની રોકડ તથા 2500 અમેરિકન ડોલર મળી કુલ રૂ. 9.21 લાખથી વધુની માલમત્તા ચોરી ગયા હતા. ગોત્રી પોલીસે બનાવ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
