Vadodara Rain News: વડોદરા શહેર અને જિલ્લામાં ગત મોડી રાત્રે શરૂ થયેલા ભારે વરસાદે સવારે પણ યથાવત રહીને જનજીવનને અસર પહોંચાડી છે. ધોધમાર વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા રસ્તાઓ પર નદી જેવો દ્રશ્ય સર્જાયો છે. ખાસ કરીને પાણીગેટ, માંડવી, લહેરીપુરા, દાંડિયાબજાર, અમદાવાદી પોળ, રાવપુરા રોડ, ખોડિયારનગર ચાર રસ્તા, વાઘોડિયા રોડ અને આજવા રોડ સહિતના વિસ્તારોમાં રસ્તાઓ ડૂબી જતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે.
ધોધમાર વરસાદમાં ગણેશજીના દર્શને નીકળેલા ભક્તો અટવાયા
ભારે વરસાદને કારણે ગણપતિ મંડળોમાં દર્શન માટે નીકળેલા ભક્તો, સવારે સ્કૂલ-કોલેજ જતાં વિદ્યાર્થીઓ અને નોકરીધંધે જતાં રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મોડી રાત્રે શરૂ થયેલા વરસાદથી રાત્રિના ખાણીપીણી બજારો ખાલીખમ થઈ ગયા હતા, જેના કારણે વેપારીઓને ધંધામાં મોટું નુકસાન થયું છે.

વીજ પુરવઠો ખોરવાયો, વૃક્ષ ધરાશાયી થયું
વરસાદની અસર માત્ર પાણી ભરાવા સુધી મર્યાદિત નથી રહી, અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતાં નાગરિકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. અંધારા અને પાણી ભરાયેલા રસ્તાઓ પર અવરજવર જોખમી બની ગઈ છે. અકોટા-મુજમહુડા રોડ પર વૃક્ષ ધરાશાયી થતાં વૈભવી કારને મોટું નુકસાન થયું હતું. સદનસીબે જાનહાની ટળી હતી.
આ પણ વાંચો

પાણી ભરાતા લોકોમાં નારાજગી
શહેરમાં દર વર્ષે વરસાદ દરમિયાન આવી સ્થિતિ સર્જાય છે. નાગરિકોનું કહેવું છે કે, ડ્રેનેજ સિસ્ટમની અપૂરતી વ્યવસ્થાને કારણે પાણી ભરાવાની સમસ્યા ઉભી થાય છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વરસાદ પહેલાં કરવામાં આવેલા સફાઈના દાવાઓ છતાં આ સમસ્યા યથાવત રહી છે, જેના કારણે નાગરિકોમાં નારાજગી ફેલાઈ છે.


