Vadodara Rain: વિશ્વામિત્રી નદીમાં ઉછાળો, કોટેશ્વર વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ 4000થી 5000 લોકો સંપર્ક વિહોણા બન્યા

ગતરોજથી આજવા સરોવરના 62 દરવાજા ખોલવામાં આવતા નદીમાં પાણીનો સ્તર સતત વધી રહ્યો છે. હાલ આજવા ડેમની સપાટી 213.7 ફૂટ છે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Sat 06 Sep 2025 02:54 PM (IST)Updated: Sat 06 Sep 2025 02:54 PM (IST)
vadodara-rains-cause-surge-in-vishwamitri-river-flood-like-situation-in-koteshwar-leaves-4000-5000-people-out-of-contact-598448
HIGHLIGHTS
  • પાણી છોડવાના કારણે વિશ્વામિત્રી નદીની સપાટી 18 ફૂટ વટાવી ગઈ છે.
  • દર વર્ષે ચોમાસામાં કોટેશ્વર અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય છે.

Vadodara Rain News: વડોદરા શહેર અને ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદથી વિશ્વામિત્રી નદીમાં પાણીની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. ગતરોજથી આજવા સરોવરના 62 દરવાજા ખોલવામાં આવતા નદીમાં પાણીનો સ્તર સતત વધી રહ્યો છે. હાલ આજવા ડેમની સપાટી 213.7 ફૂટ છે, જ્યારે નિયમ મુજબ નવેમ્બર સુધી તેને 212.50 ફૂટ સુધી મેન્ટેન કરવી આવશ્યક છે.

પાણી છોડવાના કારણે વિશ્વામિત્રી નદીની સપાટી 18 ફૂટ વટાવી ગઈ છે. કોટેશ્વર વિસ્તાર ફરી એકવાર પાણીમાં ઘેરાયો છે. દર વર્ષે ચોમાસામાં કોટેશ્વર અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય છે. રહીશો દ્વારા વારંવાર કાયમી ઉકેલની માંગ છતાં પાલિકાના અધિકારીઓ કોઈ નક્કર પગલાં નથી લઈ રહ્યા. હાલ પરિસ્થિતિ ગંભીર બની રહી છે. વડસર ગામમાં આવેલ કાંસા રેસિડેન્સી, કોટેશ્વર ગામ અને સમૃદ્ધિ મેન્શન તરફ જતો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. વિશ્વામિત્રીની સપાટી વધતાં રોડ પર પાણી ફરી વળ્યાં છે, જેના કારણે 4000 થી 5000 લોકો સંપર્ક વિહોણા થયા છે.

પાલિકાના કાર્યપાલક ઈજનેર અનુપ પ્રજાપતિએ જાણવ્યું હતું કે, પાલિકાએ તાત્કાલિક પગલાં લીધા છે. ફાયર બ્રિગેડની ટીમ સ્ટેન્ડબાય પર મુકાઈ છે અને અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા છે. લોકોને સલામત સ્થળે ખસવા સૂચના આપવામાં આવી છે, જોકે ઘણી જગ્યાએ લોકો સ્થળ છોડવા તૈયાર નથી. કેટલાક રહીશોનું કહેવું છે કે જરૂર પડશે તો જ તંત્રને જાણ કરશે.

તેમણે વધુમાં જણાવ્યું કે, તંત્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. પાણીનો દબાણ વધતો રહે તો અન્ય વિસ્તારોમાં પણ અસર થવાની શક્યતા છે. નગરજનોને તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે નદીના કિનારે ન રહે અને સુરક્ષિત સ્થળે ખસી જવું.