Vadodara Rain News: વડોદરા શહેરમાં સતત વરસતા વરસાદ અને આજવા સરોવરમાંથી છોડાતા પાણીના કારણે વિશ્વામિત્રી નદીની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. આજે બપોર સુધી નદીની જળ સપાટી 18.60 ફૂટે પહોંચી ગઈ છે, જ્યારે ગઈકાલે સવારે તે 11.51 ફૂટ હતી. એટલે કે છેલ્લા 24 કલાકમાં નદીના લેવલમાં આશરે છ ફૂટનો ઉછાળો નોંધાયો છે.

હાલમાં આજવા સરોવરનાં 62 દરવાજામાંથી 6,500 ક્યુસેક પાણી વિશ્વામિત્રી નદીમાં છોડાઈ રહ્યું છે. આજવા સરોવરનું લેવલ આજે સવારે 213.03 ફૂટ નોંધાયું હતું, જ્યારે ગઈ રાત્રે તે વધીને 213.50 ફૂટ નજીક પહોંચી ગયું હતું. હાલ આસોજ ફીડર પણ 0.39 મીટરથી ચાલુ છે, જેના કારણે નદીમાં પાણીનું પ્રમાણ સતત વધી રહ્યું છે.
વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ માનવામાં આવે છે. હાલની સ્થિતિમાં લેવલ 18.60 ફૂટ છે, પરંતુ શહેરમાં વરસાદ યથાવત્ રહેશે તો નદીનું લેવલ 20 ફૂટ નજીક પહોંચી શકે છે. આવી સ્થિતિમાં આજવા ડેમના દરવાજા બંધ કરવા અંગે તંત્ર નિર્ણય લઈ શકે છે.
આ પણ વાંચો
વિશ્વામિત્રી પ્રોજેક્ટ હેઠળ નદીની પહોળાઈ અને ઊંડાઈમાં વધારો કરવામાં આવ્યો છે. પહેલા નદીની વહન ક્ષમતા 750 કયુમેકસ હતી, જે હવે વધીને 1150 કયુમેકસ થઈ છે. જોકે પાણીની સ્થિતિ વરસાદની તીવ્રતા પર આધારિત રહેશે. હાલ તંત્ર સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે અને નાગરિકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.