Vadodara Rabies Case: બનાસકાંઠા બાદ હવે વડોદરાના ભાયલી વિસ્તારમાંથી હડકવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં હેમંત નામના યુવકને થોડા સમય પહેલા એક શ્વાને બચકું ભર્યું હતુ, પરંતુ તેણે સમયસર સારવાર કે એન્ટી રેબિસની વૅક્સિન ના લેતા તે વિચિત્ર હરકતો કરવા લાગતા તેને હડકવા ઉપડ્યો હોવાનું મનાતું હતુ. જો કે તબીબી તપાસમાં યુવક માનસિક બીમાર કે તેને નશાની લત હોવાનું માલૂમ પડ્યું છે.
હકીકતમાં હડકવાની અસરથી યુવકની માનસિક સ્થિતિ વણસી જતાં તેણે પોતાની જાતને જ બચકા ભરવાનું શરૂ કરી દીધુ છે. આટલું જ નહીં, યુવકે પોતાની આસપાસના લોકો પર પણ હુમલાનો પ્રયાસ કરતાં ભાયલ વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.
આ પણ વાંચો
યુવકના આક્રમક વર્તનને પગલે સ્થાનિકોએ સાવચેતી દાખવીને તેને દોરડા વડે બાંધી દીધો હતો. જે બાદ 108ની મદદથી પીડિત યુવકને સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક તપાસમાં યુવકની હાલત નાજુક જણાતા તબીબો દ્વારા તેને વધુ સારવાર અર્થે ખાસ ચેપી રોગની હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.
હડકવો ઉપડ્યા બાદ દર્દીના બચવાના ચાન્સ નહીવતઃ ડોક્ટર
આ અંગે જાણીતા ઈન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ ડૉ. હિતેન કારેલિયાએ જણાવ્યું કે, હડકવાના લક્ષણો દેખાય કે હડકવો ઉપડે તે બાદ દર્દીના બચવાના ચાન્સ નહીવત સમાન હોય છે. રેબીસનો વાયરસ સામાન્ય રીતે 2 થી 14 દિવસમાં પોતાની અસર દેખાડતો હોય છે અને તે સીધો માનવ મગજ પર હુમલો કરે છે. આથી જ ક્યારેય પણ શ્વાન કે અન્ય પ્રાણી કરડે તો સહેજ પણ સમય બગાડ્યા વિના તાત્કાલિક એન્ટી રેબીસ રસીના ઇન્જેક્શન પૂરા કરવા અત્યંત અનિવાર્ય છે.
પાણીથી ડરતા અને મોંમાથી સતત લાળ ટપકતી હોય તેવા શ્વાનથી અંતર જાળવવું હિતાવહ
તબીબે વધુમાં હડકવાગ્રસ્ત શ્વાનના લક્ષણો વિશે માર્ગદર્શન આપતા જણાવ્યું કે, જો કોઈ શ્વાન સતત અશાંત રહેતું હોય, એક જગ્યાએ શાંત થઈને બેસતું ન હોય, પાણી જોઈને ડર અનુભવતું હોય, કશું જ ખાવા-પીવામાં રસ ન દાખવતું હોય અને તેના મોંમાંથી સતત લાળ ટપકતી રહેતી હોય, તો તેવા શ્વાનથી હંમેશાં સુરક્ષિત અંતર જાળવવું જોઈએ.
જો દુર્ભાગ્યવશ આવા શ્વાન દ્વારા કોઈ વ્યક્તિનો ભોગ લેવાય અથવા તે કરડે, તો સેકન્ડનો પણ વિલંબ કર્યા વગર નજીકની હોસ્પિટલ પહોંચીને સમયસર વેક્સિન લેવી જ હિતાવહ છે, જેથી આવા જીવલેણ અકસ્માતો અને દુર્ઘટનાઓથી બચી શકાય.
હડકવાના 95 ટકા કિસ્સાઓ માટે શ્વાસ જવાબદાર
જણાવી દઈએ કે, હડકવો અર્થાત રેબીસ એક ગંભીર વાઇરલ રોગ છે, જે સામાન્ય રીતે ચેપગ્રસ્ત પ્રાણીઓની લાળ દ્વારા મનુષ્યોમાં ફેલાય છે. સમગ્ર વિશ્વમાં હડકવાના મોટાભાગના કેસ માટે ચેપગ્રસ્ત શ્વાન જવાબદાર હોય છે. આ સિવાય ભૂંડ, ચામાચિડિયા, શિયાળ, રેકુન જેવા જંગલી પ્રાણીઓ પણ હડકવા ફેલાવી શકે છે.
એક રિપોર્ટ પ્રમાણે, ભારતમાં દર વર્ષે 20 હજાર લોકો હડકવાના કારણે પોતાનો જીવ ગુમાવે છે. તબીબોના મતે હડકવાના કારણે દર્દીના મગજમાં સોજો અને કરોડરજ્જુમાં સોજો આવી શકે છે.
