અલનીનોની અસરથી મેઘરાજા રિસાયા, પ્રશાંત મહાસાગરના ચક્રવાતે અરબ સાગર અને બંગાળની ખાડીના ભેજવાળા પવનો ખેંચતા વરસાદનો વિરામ

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં વરસાદના વિરામનું કારણ પ્રશાંત મહાસાગરના ટાયફૂન અને અલનીનોની અસર જણાવ્યું છે. તેમણે ઓગસ્ટના અંત અને સપ્ટેમ્બરમાં ફરી ભારે વરસાદની આગાહી કરી છે, ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં રાહત મળવાની શક્યતા છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 12 Aug 2026 12:00 AM (IST)Updated: Wed, 12 Aug 2026 12:00 AM (IST)
paresh-goswami-weather-forecast-el-nino-and-pacific-typhoon-effect-on-gujarat-monsoon-rain-expected-august-end

Paresh Goswami Weather Forecast: ચાર મહિનાના ચોમાસાને બે મહિના વીતવા આવ્યા છે, પરંતુ હજુ સુધી પશ્ચિમ સૌરાષ્ટ્ર સહિત કચ્છના કેટલાક ભાગોમાં વરસાદની ભારે અછત વર્તાઈ રહી છે.

આજે સવારથી મધ્ય ગુજરાતના ભાગોમાં જરૂર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ જુલાઈના અંત અને ઓગસ્ટની શરૂઆતના દિવસોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ ચોમાસું સાવ મોળું પડી ગયું છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આવનારા દિવસોમાં વરસાદની સ્થિતિને લઈને મોટી આગાહી કરી છે.

પ્રશાંત મહાસાગરના ટાયફૂને ભેજવાળા પવનો ખેંચતા વરસાદ થંભ્યો

પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, ગત 4 ઓગસ્ટ બાદ મેઘરાજાએ એકંદરે વિરામ લીધો છે. હાલ ગુજરાતમાં વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્યારે વરસાદની કોઈ મોટી સિસ્ટમ સક્રિય ના હોવાથી સાર્વત્રિક ભારે વરસાદની સંભાવના નહીવત છે, જેનું મુખ્ય કારણ પ્રશાંત મહાસાગરમાં ઉદ્દભવેલુ ટાયફૂન છે.

હકીકતમાં આ વર્ષ અલનીનોનું વર્ષ છે. જેના કારણે પ્રશાંત મહાસાગરનું તાપમાન ઊંચુ રહે છે, જે અવાનવાર આવા ચક્રવાત બનાવે છે. આ ચક્રવાત હાલ ચીન તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ તે અરબ સાગર અને બંગાળની ખાડીના ભેજવાળા પવનોને પોતાની તરફ ખેંચી રહ્યું છે. જેના પરિણામે હાલ અરબ સાગર કે બંગાળની ખાડીમાં કોઈ મજબૂત વરસાદી સિસ્ટમ એક્ટિવ નથી થઈ રહી.

ઓગસ્ટના અંત અને સપ્ટેમ્બરમાં મેઘરાજા મહેરબાન થશે

જો કે આગામી ચારેક દિવસમાં આ ચક્રવાત ચીન ઉપરથી આગળ જતાં વિખેરાઈ જશે, ત્યાર બાદ અરબ સાગર અને બંગાળની ખાડી 4 થી 6 દિવસમાં પુનઃ સક્રિય થતાં મજબૂત વરસાદી સિસ્ટમ બને તેવી શક્યતા છે. આથી ઓગસ્ટ મહિનાના અંતિમ સપ્તાહમાં ફરીથી ભારે વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત ખેડૂતો માટે સપ્ટેમ્બર મહિનો પણ રાહતરૂપ રહેશે, કારણ કે જુલાઈ મહિનાના અંતમાં ઈન્ડિયન ઓશિયન ડાયપોલ (IOD) જે પોઝિટિવ થયો છે, તે વધુ મજબૂત બની રહ્યો છે. IODના આ પોઝિટિવ ફેઝના કારણે સપ્ટેમ્બર મહિનામાં ભારે વરસાદના રાઉન્ડ આવી શકે છે. આમ એકંદરે આગામી બારેક દિવસને બાદ કરીએ તો ઓગસ્ટના અંત અને સપ્ટેમ્બર મહિનામાં મેઘરાજા મનમૂકીને વરસી શકે છે.

પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સ્થિતિ ચિંતાજનક

પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, ગુજરાતના 95 ટકા વિસ્તારોમાં અત્યાર સુધી સારો વરસાદ નોંધાયો છે. જો કે બાકીના 5 ટકા વિસ્તારોમાં સ્થિતિ ખૂબ જ ગંભીર છે. ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર અને પોરબંદર ઉપરાંત કચ્છ અને દાહોદના કેટલાક ભાગોને હજુ સુધી વરસાદનો વધુ લાભ નથી મળ્યો. છેલ્લા સાતેક સપ્તાહથી આ ભાગોમાં વરસાદની તીવ્ર અછત વર્તાઈ રહી છે. જો કે આવનારા વરસાદી રાઉન્ડમાં આ ભાગોમાં પણ પુરતો લાભ મળી શકે છે.


રાજસ્થાન તરફ આગળ વધતી અસ્થિરતાથી ગુજરાતમાં વરસાદી માહોલ

વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, અત્યારે મધ્ય પ્રદેશના ગ્વાલિયર ઉપર સર્જાયેલી એક અસ્થિરતા ધીમે-ધીમે રાજસ્થાન તરફ આગળ વધી રહી છે. જેના પરિણામે બે દિવસ સુધી મધ્ય-દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા ઝાપટા પડી શકે છે. જે પૈકી કેટલાક ભાગોમાં ભારે ઝાપટાની શક્યતા છે, પરંતુ સાર્વત્રિક કે ભારે વરસાદની હાલ કોઈ સંભાવના નથી.


ગુજરાતના 99 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા

આજે વહેલી સવારથી સાંજ સુધીમાં રાજ્યના 99 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા નોંધાયા છે. ખાસ કરીને પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં વરસાદનું જોર વધારે રહ્યું હતુ. અહીંના શહેરા તાલુકામાં 5.3 ઈંચ, કોઠંબામાં 5.1 ઈંચ, લુણાવાડામાં 2.7 ઈંચ, બાલાસિનોરમાં 2.5 ઈંચ, ગોધરામાં 1.5 ઈંચ, મોરવા હડફમાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે.