Vadodara: બરોડા ડેરીની ચૂંટણીને પગલે રાજકારણ ગરમાયું, ભાજપની સેન્સ પ્રક્રિયા વચ્ચે આરોપ-પ્રત્યારોપના દોરથી માહોલ તંગ

બરોડા ડેરીના વર્તમાન પ્રમુખ દિનુ મામા, ઉપપ્રમુખ જીબી સોલંકી અને APMCના ચેરમેન શૈલેષ પટેલે દાવેદારી નોંધાવી. અગાઉ બરોડા કો-ઓપરેટિવ બેંકના પૂર્વ ચેરમેને ફોર્મ ભર્યું હતુ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 25 Feb 2026 04:14 PM (IST)Updated: Wed, 25 Feb 2026 04:14 PM (IST)
vadodara-politics-heats-up-ahead-of-baroda-dairy-election-2026
HIGHLIGHTS
  • 'ભાજપ મેન્ડેટ આપશે, તો જ લડીશું' બરોડા ડેરીના વર્તમાન અને પૂર્વ ડિરેક્ટરોની સ્પષ્ટ વાત

Vadodara: વડોદરા જિલ્લામાં 18 માર્ચે યોજાનારી બરોડા ડેરીની ચૂંટણીને લઈ રાજકીય ચહલપહલ તેજ બની છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26 ફેબ્રુઆરી નક્કી હોવાથી દાવેદારોમાં ઉત્સાહ સાથે ગતિવિધિઓ તેજ બની છે.

આજે સાંજે ચાર વાગ્યે જિલ્લા કમલમ ખાતે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે, જેમાં સાંસદ, ધારાસભ્યો, મંડળ પ્રમુખ-ઉપપ્રમુખ અને મહામંત્રીઓના મંતવ્યો લેવામાં આવશે.

ડેપ્યુટી કલેક્ટર ગ્રામ્ય કચેરી ખાતે દાવેદારો મોટી સંખ્યામાં ફોર્મ ભરવા પહોંચ્યા હતા. બરોડા ડેરીના વર્તમાન પ્રમુખ દિનેશ પટેલ ઉર્ફે દિનુ મામા, ઉપપ્રમુખ જી.બી. સોલંકી તેમજ APMC ના ચેરમેન શૈલેષ પટેલે ઉમેદવારી નોંધાવી.

આ ઉપરાંત બરોડા સેન્ટ્રલ કો-ઑપરેટિવ બેંકના પૂર્વ ચેરમેન અતુલ પટેલે ગઈકાલે જ ફોર્મ ભર્યું હતું. વર્તમાન અને પૂર્વ ડાયરેક્ટરો સહિત અનેક દાવેદારોએ “ભાજપ મેન્ડેટ આપશે તો લડીશું” એવી સ્પષ્ટતા કરી.

દાવેદારોનું કહેવું છે કે, પશુપાલકોને ભાવફેરની વધુ રકમ મળે તે માટે પ્રયત્નશીલ રહીશું અને ભાજપ વર્સિસ ભાજપની લડાઈ નહીં થાય. છેલ્લો દિવસ નજીક હોવાથી આજે એકસાથે અનેક ફોર્મ ભરાયા હતા.

ચૂંટણીના માહોલ વચ્ચે પાદરાની સાધી દૂધ મંડળીના પ્રમુખ ભાસ્કર ભટ્ટે પણ ફોર્મ ભર્યું છે. ભાસ્કર ભટ્ટે દિનુ મામા સામે ગંભીર આક્ષેપો કરતાં કહ્યું કે “મને ફોર્મ ન ભરવા દબાણ કરાયું.” તેમણે દિનુ મામા પર વ્યક્તિગત જીવનને લગતા પણ અનેક આરોપો લગાવ્યા. જોકે આ તમામ આક્ષેપો અંગે દિનુ મામાની તરફથી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.

આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે હવે સૌની નજર ભાજપની આજની સેન્સ પ્રક્રિયા અને અંતિમ મેન્ડેટ પર ટકેલી છે. ચૂંટણીમાં રાજકીય સમીકરણો શું વળાંક લે છે તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે.