VIDEO: પ્રેમ પ્રકરણ મુદ્દે લગ્ન મંડપમાં લોહી રેડાયું, વરમાળાના વિધિ વખતે આવી ચડેલા પ્રેમીએ વરરાજાની સામે જ દુલ્હનને ગોળી ધરબી દીધી

વરરાજા અને જાનૈયાઓની નજર સામે જ યુવકે મંડપમાં ઘૂસીને ઠંડા કલેજે ગોળી મારી દેતા અફરાતફરી મચી ગઈ. દુલ્હનને ગંભીર હાલતમાં વારાણસી રિફર કરાઈ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 25 Feb 2026 03:58 PM (IST)Updated: Wed, 25 Feb 2026 03:58 PM (IST)
crime-news-love-affair-turns-violent-bride-shot-in-wedding-mandap-in-bihar-watch-video
HIGHLIGHTS
  • લગ્ન મંડપમાં જ દુલ્હન લોહીના ખાબોચિયામાં ફસડાઈ ગઈ

Crime News: બિહારના બક્સર જિલ્લામાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં લગ્ન પ્રસંગે મંડપમાં વરમાળાની વિધિ વખતે જ એક યુવકે કન્યાના પેટમાં ગોળી ધરબી દીધી હતી. ગોળીબાર કરનાર યુવક કન્યાનો કથિત પ્રેમી હોવાનું કહેવાઈ રહ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ઉત્તર પ્રદેશના બલિયાકથી જાન બક્સર જિલ્લાના ચૌસાનગરમાં આવી હતી. જ્યાં લગ્નની વિધિ ચાલી રહી હતી આ દરમિયાન એક યુવક મંડપમાં ઘૂસી ગયો. આ સમયે વરમાળા પહેરાવવાની વિધિ ચાલી રહી હતી, ત્યારે જ આવી ચડેલા યુવકે પોતાની પાસે રહેલી બંદૂક બહાર કાઢીને દુલ્હન બનવા જઈ રહેલી આરતીકુમારી (18)ને ગોળી મારી દીધી હતી.

અચાનક ગોળીનો અવાજ થતાં ઉપસ્થિત મહેમાનોમાં સોંપો પડી ગયો હતો. લોકોની નજર પડી તો કન્યા લોહીલુહાણ હાલતમાં મંડપમાં ફસડાઈ ગઈ હતી. જ્યારે ગોળીબાર કર્યાં બાદ મચેલી અફરાતફરી વચ્ચે યુવક ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો.

જે બાદ પરિવારના સભ્યો સ્થાનિકોની મદદથી ઈજાગ્રસ્ત દુલ્હનને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ આરતીની હાલત ગંભીર જણાતા તેને સઘન સારવાર અર્થે વારાણસી રિફર કરવામાં આવી છે.

આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ પ્રેમપ્રકરણ કારણભૂત હોવાનું મનાય છે. ગોળીબાર કરનાર દુલ્હનનો પાડોશી યુવક હોવાનું માલૂમ પડ્યું છે. હાલ તો પોલીસે પરિવારજનોના નિવેદનો નોંધવા સાથે ફરાર આરોપીની ધરપકડ માટે તપાસમા ચક્રો ગતિમાન કર્યાં છે.