Vadodara: નજીવી બાબતે વડોદરામાં સરકારી કારના ડ્રાઈવર પર હુમલો, પોલીસે આરોપીઓને કાન પકડાવી ઉઠક-બેઠક કરાવી

વડોદરામાં હોર્ન વગાડવા બાબતે સરકારી કારના ડ્રાઇવર પર હુમલો થયો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 14 Mar 2026 09:44 AM (IST)Updated: Sat, 14 Mar 2026 12:06 PM (IST)
vadodara-police-arrest-accused-for-attacking-a-government-car-driver
HIGHLIGHTS
  • વડોદરામાં કાયદા વ્યવસ્થાને પડકારતો કિસ્સો
  • સરકારી કારના ડ્રાઈવરને યુવકોએ માર માર્યો
  • પોલીસે આરોપીને પકડીને ઉઠક બેઠક કરાવી

Vadodara govt car driver attacked: વડોદરાના કુંભારવાડા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક ઘટના સામે આવી છે. માત્ર હોર્ન વગાડવા જેવી સામાન્ય બાબતમાં સરકારી કારના ડ્રાઇવરને કેટલાક યુવાનોએ જાહેરમાં માર માર્યો હતો. જોકે, આ ઘટના બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી અને આરોપીઓને પકડીને ઉઠક-બેઠક કરાવી હતી.

હોર્ન મારવા જેવી બાબતે ઉશ્કેરાયા

મળતી માહિતી મુજબ, સરકારી વિભાગમાં ફરજ બજાવતા કારના ડ્રાઇવર વડોદરાના કુંભારવાડા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. રસ્તામાં કેટલાક યુવાનો ઊભા હોવાથી ડ્રાઇવરે સાઈડ માંગવા માટે હોર્ન વગાડ્યો હતો. આટલી સામાન્ય બાબતે યુવાનો ઉશ્કેરાઈ ગયા હતા, અને કાર રોકાવી ડ્રાઇવરને બહાર કાઢ્યો હતો.

અપશબ્દો બોલી જાહેરમાં માર માર્યો

આરોપીઓએ ડ્રાઇવરને જાહેરમાં અપશબ્દો બોલી તેના પર હુમલો કર્યો હતો અને ઢોર માર માર્યો હતો. આ હિંસક ઘટનાના કારણે આસપાસ હાજર લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટના સમયે કેટલાક લોકોએ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો, જે સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો હતો.

વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં 

વિડિયો વાયરલ થતા જ પોલીસે ઘટનાની ગંભીરતા સમજીને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસે ઝડપી કાર્યવાહી કરીને હુમલામાં સંડોવાયેલા બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા, અને પોલીસ સ્ટેશન લાવીને બંને આરોપીઓને કાન પકડાવી ઉઠક-બેઠક કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું.

અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં અન્ય કેટલાક આરોપીઓ પણ સંડોવાયેલા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. હાલમાં તેમની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને તેમને ઝડપી પાડવા માટે સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ ઘટના પછી વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે. 

પોલીસે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, અને કોઈપણ વ્યક્તિને કાયદો પોતાના હાથમાં લેવા દેવામાં આવશે નહીં.