Vadodara News: આજે મંગળવારના રોજ વડોદરાના ભાયલી વિસ્તારમાં ઠાકોર ફળિયામાં અચાનક વિશાળકાય મગર આવી ચડતાં સ્થાનિકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. રહેણાંક વિસ્તારની વચ્ચે અચાનક આટલો મોટો મગર નજરે પડતા સ્થાનિક રહીશોમાં ભયની સાથે સાથે કુતૂહલ પણ જોવા મળ્યું હતું. આ ભયાનક વન્યજીવને નિહાળવા માટે આસપાસના લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા.
આ ઘટના અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર, ભાયલી વિસ્તારની આસપાસમાં વહેતી વિશ્વામિત્રી નદી વડોદરા શહેરમાં મગરોનું કુદરતી નિવાસસ્થાન ગણાય છે. ચોમાસું હોય કે સામાન્ય દિવસો, નદીમાંથી મગરો ઘણીવાર પાણીના પ્રવાહમાં તણાઈને કે ભટકતા ભટકતા નજીકના રહેણાંક વિસ્તારમાં ઘૂસી જતા હોય છે. આજે સવારે પણ મહાકાય મગર ઠાકોર ફળિયાના રસ્તા પર આવી પહોંચ્યો હતો.
આ પણ વાંચો
અચાનક મગર દેખાતા જ સ્થાનિક રહીશો સાવચેત થઈ ગયા અને તાત્કાલિક ધોરણે કોઈપણ જાનહાનિ કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભારે સતર્કતા દાખવી હતી. રહેણાંક વિસ્તારમાં મગર ઘૂસી જતા સ્થાનિક રહીશોએ તાત્કાલિક વન વિભાગ અને સ્થાનિક રેસ્ક્યુ ટીમને ઘટના અંગે જાણ કરી હતી. માહિતી મળતા જ વન વિભાગની ટીમ અને રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.
વન વિભાગ અને રેસ્ક્યુ ટીમના સભ્યોએ સાવચેતીપૂર્વક રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડીને મહાકાય મગરને સુરક્ષિત રીતે પકડી લીધો અને તેને પાંજરામાં પૂરી દીધો હતો. મગરને સફળતાપૂર્વક પકડી લેવામાં સ્થાનિક રહીશોએ સુખરૂપ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારબાદ વન વિભાગ દ્વારા મગરને કુદરતી વાતાવરણમાં સલામત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી.
આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં થોડા સમય માટે ડર અને ભયનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ વન વિભાગની સમયસૂચકતા અને કામગીરીને કારણે કોઈ અનિચ્છનીય ઘટના બનતા અટકી હતી. વડોદરામાં નદી કાંઠાનાવિસ્તારમાં રહેતા લોકો માટે આ ઘટના ફરી એકવાર સાવચેત અને જાગૃત રહેવાનો સ્પષ્ટ સંકેત આપી ગઈ છે.
