વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા ચોકડી પાસે કોટન ગોડાઉનમાં ભીષણ આગ, સદનસીબે મોટી દુર્ઘટના ટળી

આગની એટલી વિકરાળ હતી કે ગોડાઉનની અંદર પાર્ક કરવામાં આવેલી એક મોટરસાયકલ પણ આગની ઝપેટમાં આવીને સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 09 Nov 2026 03:38 PM (IST)Updated: Mon, 09 Nov 2026 03:38 PM (IST)
vadodara-news-massive-fire-breaks-out-at-cotton-warehouse-near-gothda-junction

Vadodara News: વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા ચોકડી વિસ્તારમાં આવેલ કોટનના એક ગોડાઉનમાં આજે વહેલી સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. આ ગોડાઉનમાં કોટનના ઓશીકાં અને બેડશીટ બનાવવાની કામગીરી કરવામાં આવતી હતી. જ્વલનશીલ સામગ્રીનો જથ્થો મોટા પ્રમાણમાં હોવાને કારણે આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી.

ઘટનાની વિગતો મુજબ, ગોડાઉનમાં અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ સ્થાનિક લોકો અને આસપાસના દુકાનદારો ચોંકી ઉઠ્યા હતા. જોતજોતામાં આગની લપટો એટલી બધી તીવ્ર બની કે ગોડાઉનની અંદર રહેલો તમામ કાચો માલ, તૈયાર માલ તેમજ યંત્રો આગની ઝપેટમાં આવી ગયા હતા. આગની એટલી વિકરાળ હતી કે ગોડાઉનની અંદર પાર્ક કરવામાં આવેલી એક મોટરસાયકલ પણ આગની ઝપેટમાં આવીને સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.

આગ લાગ્યાની જાણ થતાં જ સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડ વિભાગને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ વડોદરા અને સાવલી પંથકની ફાયર બ્રિગેડની ટીમો લાખો લિટર પાણીના પ્રેશર સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર જવાનોએ સમયસૂચકતા વાપરીને મોરચો સંભાળ્યો હતો અને ભારે જહેમત તથા સંઘર્ષ બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મેળવી હતી. ફાયર ટીમની સતર્કતાના કારણે આગ આસપાસના અન્ય ગોડાઉનો કે વસ્તીવાળા વિસ્તારો સુધી ફેલાતી અટકી શકી હતી, જેના કારણે એક મોટી હોનારત ટળી ગઈ હતી.

આ ગોડાઉનમાં કોટન અને રૂ જેવી અત્યંત જ્વલનશીલ વસ્તુઓનો મોટો જથ્થો હોવાથી આગ સંપૂર્ણપણે બુઝાયા બાદ પણ કુલિંગ ઓપરેશન લાંબો સમય સુધી ચલાવવું પડ્યું હતું. આગની આ અચાનક બનેલી ઘટનાને પગલે ગોઠડા ચોકડી વિસ્તારમાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાસ્થળે પોલીસ પણ પહોંચીને ટ્રાફિક નિયંત્રણ અને કાયદો-વ્યવસ્થા જાળવવાની કામગીરી હાથ ધરી હતી.

સદનસીબે આ ભીષણ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થયાના અહેવાલ નથી, જે રાહતની વાત છે. જોકે, ગોડાઉનમાં રહેલો લાખો રૂપિયાનો માલ-સામાન અને મશીનરી આગમાં સ્વાહા થઈ જવાના કારણે માલિકને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હાલ પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણોસર આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, પરંતુ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ અંગે તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.