Vadodara: મકરપુરામાં અપહરણના ગુનામાં બે દાયકાથી ફરાર આરોપીને પોલીસે વેશ પલટો કરીને વિરારથી ઝડપી પાડ્યો

ભીડભાડ વાળી જગ્યાએ પોલીસ કર્મચારીઓએ ડિલિવરી બૉય, ડ્રાઈવર, ટ્રાન્સપોર્ટર અને ગ્રાહકનો વેશ ધારણ કરીને આરોપીને સતત 72 કલાક રેકી કર્યાં બાદ દબોચી લીધો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 13 Mar 2026 11:50 PM (IST)Updated: Fri, 13 Mar 2026 11:50 PM (IST)
vadodara-news-makarpura-minor-kidnapping-case-crime-branch-arrests-fugitive-after-two-decades
HIGHLIGHTS
  • 2006માં આરોપી પોતાની દુકાન સામે રહેતી સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો
  • પોલીસ પાસે આરોપી ચહેરા પર મસો હોવાની અને તેને ગુટકા ખાવાની ટેવ હોવાની માહિતી હતી

Vadodara: વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં વર્ષ 2006માં નોંધાયેલા સગીરાના અપહરણના કેસમાં છેલ્લા બે દાયકાથી ફરાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી સુધી પહોંચવા માટે પોલીસ ટીમે ત્રણ દિવસ સુધી અલગ-અલગ વેશ ધારણ કરી ગુપ્તરાહે તપાસ ચલાવી હતી, જે બાદ વિરાર વિસ્તારમાંથી તેને ઝડપી પાડ્યો હતો.

દુકાન સામે રહેતી સગીરાને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો

આજથી 20 વર્ષ પૂર્વે મકરપુરા વિસ્તારમાં મરઘીની દુકાન ચલાવતો ફિરોજખાન મુસ્તાકખાન પઠાણ પોતાની દુકાન સામે રહેતી એક સગીરાને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો. આ ઘટનાને લઈ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસએ આરોપીની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ તે લાંબા સમય સુધી પોલીસને ચકમો આપી ફરાર રહ્યો હતો.

તાજેતરમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખાસ અભિયાન હાથ ધરાયું છે. આ અભિયાન અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ છેલ્લા ત્રણ મહિનાથી ફિરોજખાનની શોધમાં હતી. પોલીસની તપાસ દરમિયાન પોલીસને માહિતી મળી કે, આરોપી મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વસઈ–વિરાર વિસ્તારમાં રહે છે.

આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી. વિરાર વિસ્તાર ખૂબ જ વ્યસ્ત અને ભીડભાડવાળો હોવાથી આરોપી સુધી પહોંચવું પોલીસ માટે પડકારજનક બન્યું હતું. ટીમ પાસે આરોપીની માત્ર જૂની તસ્વીર હતી. જેમાં તેના ચહેરા પર એક મસો છે અને તેને ગુટખા ખાવાની ટેવ હોવાની માહિતી હતી.

જેના પોલીસે 72 કલાક સુધી વિસ્તારમાં ગુપ્ત દેખરેખ રાખી હતી. પોલીસકર્મીઓએ ડિલિવરી બોય, ડ્રાઇવર, ટ્રાન્સપોર્ટર અને ગ્રાહક જેવા વિવિધ વેશ ધારણ કરી તપાસ ચાલુ રાખી હતી. સતત રેકી બાદ માહિતી મળી કે, આરોપી વિરાર ઈસ્ટના ઇન્ફિનિટી સ્ક્વેર વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરી રહ્યો છે. પોલીસે ખાતરી કર્યા બાદ કાર્યવાહી કરી આરોપી ફિરોજખાન પઠાણને ઝડપી પાડ્યો હતો.

પોલીસ સૂત્રો મુજબ અપહરણ થયેલી યુવતી અગાઉ મળી આવી હતી અને હાલમાં તેણે અન્ય વ્યક્તિ સાથે લગ્ન પણ કરી લીધા છે. હાલ 55 વર્ષીય આરોપી મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાનું પણ સામે આવ્યું છે.