Surat: ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ સુરતમાં ગરમીનો પારો આક્રમક મૂડમાં જોવા મળી રહ્યો છે. માર્ચ મહિનામાં જ તાપમાન 40 ડિગ્રીની આસપાસ પહોંચવાની આગાહી વચ્ચે મનપા દ્વારા શહેરીજનોને હીટ સ્ટ્રોક (લૂ) થી બચાવવા માટે યુદ્ધના ધોરણે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
ખાસ કરીને પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલનાઈમરજન્સી વિભાગમાં લૂના દર્દીઓ માટે બાથ ટબ સાથે આઈસ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો
સુરતની સ્મીમેર હોસ્પિટલમાં રોજ હજારો દર્દીઓ જુદા જુદા વિભાગોમાં સારવાર માટે આવતા હોય છે, ત્યારે સ્મીમેર હોસ્પિટલ તંત્ર દ્વારા આકરા તાપ અને વધતા તાપમાનને ધ્યાને રાખીને અને હીટવેવની સંભાવનાઓ વચ્ચે દર્દીઓ માટે વિશેષ કાળજી લેવામાં આવી રહી છે.
દર્દીઓને હીટસ્ટ્રોકથી બચાવવા અને તાત્કાલિક ખાસ પ્રકારની ટ્રિટમેન્ટ મળી રહે તે માટે કેઝ્યુલિટી વિભાગમાં બાથટબ મુકવામાં આવ્યાં છે, તેમજ આઈસ બોક્ષ એટલે બરફની પેટી પણ મુકવામા આવી છે.
સ્મીમેર હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર, હીટ સ્ટ્રોક દરમિયાન દર્દીના શરીરનું તાપમાન સામાન્ય કરતા વધીને 105 થી 106 ડિગ્રી સુધી પહોંચી જાય છે, જેના કારણે દર્દી બેભાન થઈ શકે છે. આવા કટોકટીના સમયે દર્દીના શરીરનું તાપમાન તુરંત નીચું લાવવા માટે બર્ફીલા ઠંડા પાણી ભરેલા બાથટબ મૂકવામાં આવ્યા છે. દર્દીને આ ટબમાં સૂવડાવવાથી બોડી ટેમ્પરેચર ઝડપથી નોર્મલ થાય છે અને જીવનનો ખતરો ટળી જાય છે.
સ્મીમેર હોસ્પિટલના RMO ડો. નીતા પટેલે જણાવ્યું કે, લૂના દર્દીઓ માટે ઈમરજન્સી વિભાગમાં આઈસબેડની વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ દર્દી આવે તો તેને આઈસબેડમાં રાખવામાં આવે છે, જેથી તેનું બોડીનું ટેમ્પરેચર મેન્ટેન રહે. હીટ સ્ટ્રોકના લક્ષણો જેવા કે ચક્કર આવવા, ઉલ્ટી- ઉબકા, માથું દુખવું અને અત્યંત પરસેવો થવો વગેરેની સારવાર માટે ‘આઈસ બેડ’ અને આઈસ બોક્સ તૈયાર રખાયા છે.
આ ઉપરાંત શરીરમાં પાણીનું સ્તર જળવાઈ રહે તે માટે પૂરતા પ્રમાણમાં IV ફ્લુઈડ્સ, ORSની વ્યવસ્થા દરેક વોર્ડમાં કરવામાં આવી છે. દરેક વોર્ડમાં દર્દીઓ અને સગાંઓ માટે ઠંડા પીવાના પાણીના જગની સુવિધા કરાઈ છે.
તેમણે નાગરિકોને અપીલ કરી છે કે ખૂબ જ જરૂરી હોય તો જ તડકામાં નીકળવું અને સુતરાઉ કપડાં પહેરવા. બહાર નીકળતી વખતે માથા પર રૂમાલ અથવા છત્રીનો ઉપયોગ કરવો. ગરમી સામે રક્ષણ મેળવવા માટે નિયમિત અંતરે પાણી, નારિયેળ પાણી, લીંબુ શરબત અને છાશ જેવા પ્રવાહી લેતા રહેવું જોઈએ.
