Surat Crime News: સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં સ્થિત શ્રી વિનાયક રેસિડેન્સીમાં તસ્કરોએ આતંક મચાવ્યો છે. સમગ્ર સોસાયટીમાં છેલ્લા ત્રણ દિવસમાં ઉપરાઉપરી 4 ચોરીના બનાવો સામે આવતા રહીશોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ ફેલાયો છે. સોસાયટીનો એક પરિવાર દિવાળીનો તહેવાર મનાવવા વતન ગયો હતો. તે દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી ઘરમાં સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી હતી.
ઘટનાની વિગતો મુજબ, મોડી રાત્રે અંદાજે 3:45 વાગ્યાની આસપાસ 2 તસ્કરો સોસાયટીમાં પ્રવેશ્યા અને સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. તસ્કરોએ પ્લોટ નંબર 6 માં આવેલા ઘરના દરવાજાનો નકુચો કાપી ઘરમાં પ્રવેશ કર્યો હતો. માત્ર 15 થી 20 મિનિટના ટૂંકા ગાળામાં તસ્કરોએ કબાટના તાળા તોડી અંદર રાખેલી રોકડ રકમ અને સોનાના દાગીનાની ચોરી કરી લીધી અને બિન્દાસ્ત રીતે ફરાર થઈ ગયા હતા.
આ પણ વાંચો
સવારે આસપાસના પાડોશીઓ જાગ્યા ત્યારે ઘરનો નકૂચો તૂટેલો જણાતાં મકાનમાલિકને ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી. ચોરીમાં ઘરમાંથી રોકડા રૂપિયા 1 લાખ અને સોનુ ચોરાયુ હોવાનું સામે આવ્યું હતું. ઘટનાને પગલે સ્થાનિક રહીશોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી વિસ્તારમાં સતત ચોરી થઈ રહી છે અને છેલ્લા 3 દિવસમાં જ 4 ચોરીઓ થઈ ચૂકી છે.
2 દિવસ પહેલાં પણ બાઈક પર આવેલા તસ્કરો 1 વાહનની ચોરી કરી ગયા હતા. અન્ય એક મકાનમાં પણ આ જ રીતે નકુચો કાપીને ચોરી કરી હતી. સ્થાનિક રહીશો અત્યારે એટલા ડરી ગયા છે કે રાત્રે સૂવું કે જાગીને ઘરની ચોકીદારી કરવી તે સમજાતું નથી. બનાવ અંગે ભેસ્તાન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અને CCTV ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
