સુરત: લિંબાયતમાં 24 વર્ષીય યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા, સોસાયટીના જ બે શખ્સો સામે પોલીસ ફરિયાદ

સોસાયટીમાં રહેતા 2 શખ્સોએ હુમલો કર્યો હોવાની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 09 Nov 2026 06:55 PM (IST)Updated: Mon, 09 Nov 2026 06:55 PM (IST)
limbayat-vrindavan-nagar-2-society-24-year-old-vikas-murder-knife-attack-surat-crime-news

Surat Crime News: સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા વૃંદાવન નગર 2 સોસાયટીમાં રવિવારે મોડી રાત્રે આશરે 10:30 વાગ્યાના સુમારે ફટાકડા ફોડવા જેવી બાબતે થયેલી તકરાર લોહિયાળ હત્યામાં પરિણમી છે. સોસાયટીમાં રહેતા 2 શખ્સોએ એક 24 વર્ષીય યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પ્રાથમિક માહિતી અનુસાર, લિંબાયત વિસ્તારમાં આવેલા વૃંદાવન નગર 2 સોસાયટીની ગલીની બહાર નીકળતી વખતે ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી થઈ, જેણે જોતજોતામાં હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ દરમિયાન 24 વર્ષીય વિકાસભાઈ નામના યુવક પર ઘાતક ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો.

વિકાસ પર ઘાતક હથિયારથી હુમલો કરતા ગંભીર ઈજાઓ થવાથી તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. લિંબાયત વિસ્તારમાં થયેલા આ ગંભીર બનાવમાં તે જ સોસાયટીમાં રહેતા નિલેશ અને પંકજ નામના 2 શખ્સોના નામ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તહેવારના માહોલમાં થયેલી હત્યાને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર અને ભયનો માહોલ ફેલાઈ ગયો છે.

આ બનાવની જાણ થતાં જ લિંબાયત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધીને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.