Surat Crime News: સુરત શહેરના ભટાર વિસ્તારમાં ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતમાં થયેલી બોલાચાલી અને જૂની અદાવતમાં 18 વર્ષીય પ્રસિદ્ધ સંતોષ મોરે ઉર્ફે સન્ની નામના યુવકની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. અજાણ્યા આરોપીએ યુવકની છાતીમાં તીક્ષ્ણ હથિયારના 5 ઘા ઝીંક્યા હતા. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસ તેમજ પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ હત્યા પાછળ ફટાકડા ફોડવા બાબતની ક્ષણિક બોલાચાલી ઉપરાંત જૂની અદાવત હોવાની પ્રબળ આશંકા છે. બાળકો સાથે શાંતિપૂર્વક ફટાકડા ફોડી રહેલા સન્ની સાથે આરોપીઓએ પહેલાં બોલાચાલી અને ગાળાગાળી કરી હતી. ત્યારબાદ તમામ આરોપીઓએ અચાનક તેના પર હુમલો કરી હત્યા કરી દીધી હતી.
ઘટના અંગે વિગતો આપતા મૃતકના મિત્રએ જણાવ્યું કે, સન્ની ત્યાં નાના બાળકો સાથે ફટાકડા ફોડી રહ્યો હતો અને તેણે કોઈને પણ કંઈ જ કહ્યું નહોતું. આ દરમિયાન શાહિદ અને તેના પરિવારે અચાનક આવીને ગાળાગાળી શરૂ કરી દીધી હતી. બોલાચાલી બાદ જ્યારે સન્ની ત્યાંથી જવા લાગ્યો ત્યારે પાછળથી 6-7 લોકોનું ટોળું તેના પર તૂટી પડ્યું અને તેને બેરહમીથી મારવા લાગ્યા હતા.
જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા અને લોહીલુહાણ હાલતમાં પડેલા સન્નીને તેના મિત્રોએ તાત્કાલિક ઊંચકીને રિક્ષા મારફતે નવી સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો હતો. જોકે, હોસ્પિટલમાં છાતીના ભાગે ઊંડા ઘા હોવાના કારણે ટૂંકી સારવાર દરમિયાન જ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. સન્ની કલર કામનું કામ કરતો હતો અને પરિવારનો મુખ્ય આર્થિક સહારો હતો.
યુવાન પુત્રના અચાનક કરુણ મોતના સમાચાર મળતાં જ પરિવારજનોમાં અરેરાટી અને ભારે આક્રંદ છવાઈ ગયો હતો. મૃતકના મિત્રએ વધુમાં જણાવ્યું કે, શાહિદ અને તેના સાગરીતો દારૂ તેમજ ગાંજાનો ગેરકાયદેસર ધંધો કરે છે. શાહિદ અને તેનો પરિવાર અગાઉથી જ સન્ની સાથે દુશ્મની ધરાવતા હતા અને આવતા-જતા ગાળો આપીને મારવાની ફિરાકમાં જ રહેતા હતા.
સ્થાનિકોના જણાવ્યા મુજબ ઘટનાસ્થળ આસપાસ CCTV કેમેરા લાગેલા હોવાથી તમામ હુમલાખોર આરોપીઓની ઓળખ અત્યંત સરળતાથી થઈ શકે તેમ છે. હાલ ખટોદરા પોલીસ સ્ટેશન દ્વારા ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ જપ્ત કરી લેવામાં આવ્યા છે અને હત્યાનો ગુનો નોંધી તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
