સુરતમાં કરૂણાંતિકા: BHMS મહિલા ડોક્ટરે ઝેરી દવા પી કરી આત્મહત્યા, સ્યુસાઈડ નોટ મળી!

સુરતના કતારગામ લેક ગાર્ડનમાં 25 વર્ષીય BHMS મહિલા ડોક્ટરે ઝેરી દવા પી કરી આત્મહત્યા. 8 મહિના અગાઉ થયા હતા લગ્ન, ઘટનાસ્થળેથી પોલીસને સ્યુસાઈડ નોટ મળી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 07 Nov 2026 02:37 PM (IST)Updated: Sat, 07 Nov 2026 02:37 PM (IST)
surat-katargam-female-bhms-doctor-suicide-case-janvi-vaghela-varachha-police-investigation

Surat Crime News: સુરત શહેરના કતારગામ વિસ્તારમાં 25 વર્ષીય BHMS ડિગ્રી ધરાવતી યુવતીનું ઝેરી દવા પી લીધા બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. યુવતીના લગ્નને હજુ આઠ મહિના જેટલો જ સમય થયો હતો અને પતિ સાથે અણબનાવ થતાં તે પિયરમાં રહેતી હતી.

યુવતીએ ઝેરી દવા પી આપઘાત કર્યો

પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ અમરેલી જિલ્લાની વતની અને હાલ સુરતના વરાછા વિસ્તારમાં આવેલ એ.કે. રોડ પર રહેતી જાનવીબેન અશોકભાઈ વાઘેલા ગુરુવારે સાંજે કતારગામના લેક ગાર્ડન ખાતે પહોંચી હતી, જ્યાં તેણે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો જાનવીને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે, ટૂંકી સારવાર બાદ જાનવીનું કરૂણ મોત નીપજ્યું હતું.

8 મહિના પહેલા થયા હતા લગ્ન

વધુમાં મળતી માહિતી મુજબ, જાનવી પોતે BHMS (હોમિયોપેથિક) તબીબ હતી અને આશરે 8 મહિના અગાઉ જ તેના લગ્ન ભાવનગરના એક તબીબ સાથે થયા હતા. પરંતુ, લગ્ન બાદ છેલ્લા બે મહિનાથી પતિ સાથે કોઈ કારણસર અણબનાવ ચાલતો હોવાથી તે વરાછા ખાતે પિયરમાં રહેવા આવી ગઈ હતી. દીકરીના અચાનક અને આ રીતે કરૂણ અંતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. જાનવીના આપઘાત પાછળનું ચોક્કસ અને વાસ્તવિક કારણ કતારગામ પોલીસની વધુ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

યુવતીએ લખેલી સ્યુસાઈડ નોટ મળી

જ્યારે બનાવની જાણ કતારગામ પોલીસને થઈ તો પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસને મૃતક યુવતી દ્વારા લખેલી સ્યુસાઈડ નોટ લખી હતી. હાલ સમગ્ર મામલે કતારગામ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.