Narayan Sai Dental Treatment: સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા નારાયણ સાંઈને દાંતમાં અસહ્ય દુખાવો ઉપડતાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. તબીબી તપાસ માટે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા સમગ્ર પ્રક્રિયા દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
નારાયણ સાંઈને સિવિલ ખસેડાયો
મળતી માહિતી અનુસાર, નારાયણ સાંઈએ દાંતમાં તીવ્ર દુખાવાની ફરિયાદ કરતાં જેલ પ્રશાસન દ્વારા તેને નિષ્ણાત તબીબોની સારવાર અપાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ લાજપોર જેલના પોલીસ કર્મચારીઓ અને સ્થાનિક પોલીસના બંદોબસ્ત વચ્ચે તેને નવી સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. હોસ્પિટલ પહોંચ્યા બાદ તેને સીધો ડેન્ટલ વિભાગમાં લઈ જવામાં આવ્યો હતો.
તબીબી પ્રક્રિયા પૂરી થયા બાદ જેલમાં
જ્યાં નિષ્ણાત તબીબોએ તેના દાંત અને જડબાની તપાસ કરી હતી. જરૂરી તપાસના ભાગરૂપે એક્સ-રે સહિતના રિપોર્ટ પણ કરાવવામાં આવ્યા હતા. તબીબી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેને ફરી પોલીસ સુરક્ષા હેઠળ લાજપોર જેલમાં પરત લઈ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઈ છેલ્લા આશરે 12 વર્ષથી લાજપોર મધ્યસ્થ જેલમાં બંધ છે. જેલમાં સજા દરમિયાન સમયાંતરે તેની તબીબી તપાસ કરવામાં આવે છે. તાજેતરમાં દાંતના દુખાવાની ફરિયાદને પગલે તેને ફરી એકવાર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
