સુરતની હોટલોમાં રાંધણ ગેસની અછત સર્જાઈઃ હાઈવે પરની હોટલના સંચાલકોએ મજબૂરીમાં મેનુમાંથી સાઉથ ઈન્ડિયન ડીશ દૂર કરી

હાઈવે પરથી પસાર થતા મુસાફરો જ્યારે પોતાની મનપસંદ વાનગીઓનો ઓર્ડર આપે છે ત્યારે 'સ્ટોક નથી' અથવા 'મેનૂમાં નથી' તેવો જવાબ મળતા નારાજ થઈ રહ્યા છે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 13 Mar 2026 10:23 PM (IST)Updated: Fri, 13 Mar 2026 10:23 PM (IST)
surat-news-gas-shortage-hits-south-indian-dishes-removed-from-menu
HIGHLIGHTS
  • હોટલોમાં વધુ ગેસ વપરાતી વાનગીઓ બંધ કરાઈ

Surat: ઇઝરાયેલ, ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની માઠી અસરો હવે સાત સમંદર પાર ભારત અને ખાસ કરીને સુરતના સ્થાનિક અર્થતંત્ર પર દેખાવા લાગી છે. સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર આવેલી હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં રાંધણ ગેસની અછત સર્જાઈ છે. આ કારણે અનેક હોટલોએ પોતાના મેનૂમાં ફેરફાર કર્યા છે અને વધુ ગેસ વપરાશવાળી વાનગીઓ બંધ કરી દીધી છે.

ગેસની અછત એટલી ગંભીર બની છે કે, હોટલ સંચાલકોએ મજબૂરીમાં પોતાના મેનૂ કાર્ડ બદલવા પડ્યા છે. ખાસ કરીને જે વાનગીઓ બનાવવામાં સતત અને વધુ પ્રમાણમાં ગેસનો વપરાશ થાય છે, તેવી આઈટમ્સ હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે.

નવાઈની વાત એ છે કે, લોકોની ફેવરિટ એવી સાઉથ ઈન્ડિયન વાનગીઓ (ઢોંસા, ઈડલી વગેરે) પણ અનેક હોટલોમાં મળતી બંધ થઈ ગઈ છે, કારણ કે આ વાનગીઓ માટે સતત ગેસ ચાલુ રાખવો પડતો હોય છે.

આધુનિક રસોઈ મશીનરીઓ, જે સંપૂર્ણપણે ગેસ પર નિર્ભર હતી, તેને હાલ બંધ કરી દેવામાં આવી છે. તેની જગ્યાએ હવે ફરી જૂની પદ્ધતિ મુજબ કોલસા અને લાકડાના બળતણનો ઉપયોગ વધારી દેવાયો છે. રસોડામાં ફરી ધુમાડાના વાતાવરણ વચ્ચે રસોઈ બનાવવાની ફરજ પડી રહી છે.

હાઈવે પરથી પસાર થતા મુસાફરો જ્યારે પોતાની મનપસંદ વાનગીઓનો ઓર્ડર આપે છે ત્યારે 'સ્ટોક નથી' અથવા 'મેનૂમાં નથી' તેવો જવાબ મળતા નારાજ થઈ રહ્યા છે. ઘણા ગ્રાહકો તો ઓર્ડર આપ્યા વગર જ હોટલ છોડી રહ્યા છે, જેના કારણે સંચાલકોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

હોટલ સંચાલક મંજુરભાઈએ જણાવ્યું કે, પાછલા ઘણા દિવસોથી ગેસની બોટલ તો મળતી જ નથી, અમે સરકારને પણ અપીલ કરેલી છે. હાલમાં અમે સાઉથ ઇન્ડીયન અને ચપાતી એવી બધી વસ્તુઓ બંધ કરી દીધી છે. જે વસ્તુ અમારાથી શક્ય થાય છે એ વસ્તુ અમે કરીએ છીએ, બંધ કરવાનું કારણ ગેસની બોટલ નથી, ગેસની બોટલની અછત છે, અમારી પાસે પુરતો ગેસ નથી, જે છે એનાથી અમે થોડું થોડું ચલાવીએ છીએ.

વધુમાં જણાવ્યું હતું કે, સાઉથ ઇન્ડિયનની વાનગી અને ચપાતીમાં ગેસ વધુ વપરાતો હતો એ વસ્તુ અમે બંધ કરી દીધી છે. કોલસા અને લાકડાથી ચાલુ કરીને હોટલ ચલાવીએ છીએ. હાલમાં અમારા ધંધા પણ ઠપ થઇ ગયા છે. ગ્રાહકો પણ અમારી પાસે ઓછા થઇ ગયા છે કારણ કે અમારી પાસે પુરતી વસ્તુ નથી. સરકારને અપીલ છે કે, ગેસની બોટલ પુરતી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે જેથી ધંધો સારી રીતે ચાલી શકે