Vadodara election boycott: વડોદરા મહાનગરપાલિકાની આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે, પરંતુ નેતાઓ માટે પ્રચારનું કામ મુશ્કેલ બની ગયું છે. નિઝામપુરા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ અને ખાસ કરીને પીવાના પાણીના અભાવે રોષે ભરાયેલી જનતાએ "ચૂંટણી બહિષ્કાર" નો માર્ગ અપનાવ્યો છે.
20 વર્ષથી સ્થાનિકોને પાણી માટે હાલાકી
નિઝામપુરા વિસ્તારમાં આવેલી અસ્મિતા પાર્ક, દીપમંગલ, મયુર પાર્ક અને શ્વેતા પાર્ક જેવી અંદાજે 35 વર્ષ જૂની સોસાયટીના રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, છેલ્લા 20 વર્ષથી તેમને પીવાનું પૂરતું પાણી અપાતું નથી, છતાં મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે હજારો રૂપિયાનો માતબર વેરો પૂરતો વસૂલવામાં આવે છે.
'પાણી નહીં, તો વોટ નહીં' ના બેનરો લાગ્યા
આ અંગે લોકોનો બળાપો છે કે અગાઉ તેમણે કોંગ્રેસના પ્રતિનિધિઓને મત આપીને જીતાડ્યા હતા, પરંતુ તેઓ પણ નકામા જ સાબિત થયા છે. હવે નિઝામપુરા વિસ્તારના સ્થાનિકોએ સોસાયટીઓના મુખ્ય ગેટ પર "ચૂંટણી બહિષ્કાર" ના બેનરો લગાવી નેતાઓને સ્પષ્ટ ચેતવણી આપી છે કે "વોટ માંગવા માટે અહીં પ્રવેશ કરવો નહીં".
રાજકીય ખેંચતાણ અને નેતાઓનો બચાવ
આ સમગ્ર મામલે વોર્ડ નંબર 1 ના પૂર્વ કોર્પોરેટર અમીબેન રાવતે બચાવ કરતા જણાવ્યું હતું કે, તેમને સ્થાનિકો તરફથી કોઈ સત્તાવાર રજૂઆત મળી નથી, અને માત્ર મીડિયા દ્વારા જ આ સમસ્યા ધ્યાનમાં આવી છે. જોકે, તેમણે આ અંગે મ્યુનિસિપલ કમિશનરને મળીને રજૂઆત કરવાની ખાતરી આપી છે.
આ પણ વાંચો: Gujarat Elections: વડોદરા ભાજપમાં ચૂંટણીનો ગરમાવો, MLA ના ભાઈએ કરી જિલ્લા પંચાયતમાં દાવેદારી
કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરે ભાજપ પર નિશાન સાધતા અમીબેન રાવતે કહ્યું હતું કે, ભાજપના આંતરિક વિખવાદના કારણે પ્રજાના પ્રશ્નો ઉકેલાતા નથી, અને સોસાયટીના કેટલાક લોકો ભાજપ સાથે સંકળાયેલા હોવાથી તેઓએ કોંગ્રેસના કોર્પોરેટરને આ સમસ્યાની જાણ કરી નહોતી.
જનતાનો નિર્ધાર: 'સુવિધા નહીં તો મત નહીં'
નિઝામપુરાની આ સોસાયટીઓમાં હાલ નેતાઓ પ્રત્યે ભારે આક્રોશ વ્યાપેલો છે. લોકોએ નિર્ધાર કર્યો છે કે વર્ષોથી માત્ર આશ્વાસન મળ્યા છે, પરંતુ જો આ વખતે ચૂંટણી પહેલા પાણીની સમસ્યાનું કાયમી અને નક્કર નિરાકરણ નહીં આવે, તો કોઈ પણ પક્ષને મતદાન કરવામાં આવશે નહીં.
