Vadodara District Panchayat: વડોદરા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના મુખ્ય પદાધિકારીઓના નામોની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં પ્રમુખ પદ માટે OBC મહિલા ઉમેદવાર જ્યોત્સનાબેન રબારીના નામ પર પસંદગી ઉતારવામાં આવી છે.
આગામી 23 મે, શનિવારના રોજ મળનારી વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં બહુમતીના જોરે આ નામ પર સત્તાવાર મહોર મારવામાં આવશે. ભાજપે કુલ 34 બેઠકોમાંથી 32 બેઠકો મેળવીને સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત કરી હોવાથી વિપક્ષ તરફથી કોઈ આકસ્મિક પડકાર મળવાની શક્યતા નહિવત છે.
વડોદરા જિલ્લા પંચાયત- નવા પદાધિકારીઓ
ભાજપ પ્રદેશ મોવડી મંડળ દ્વારા જાહેર કરાયેલા પદાધિકારીઓના નામોમાં પ્રમુખ પદ માટે OBC મહિલા ઉમેદવાર જ્યોત્સનાબેન રબારીના નામ પર પસંદગી ઉતારવામાં આવી છે. વડોદરા જિલ્લા પંચાયતના નવા પદાધિકારીઓની યાદી નીચે મુજબ છે:
- પ્રમુખ: જ્યોત્સનાબેન રબારી (ચોરંદા - કરજણ)
- ઉપ-પ્રમુખ: કમલેશ પટેલ (ડભોઈ)
- કારોબારી અધ્યક્ષ: કૈરવીબેન વાઘેલા (રણોલી - વાઘોડિયા)
- દંડક: મનિષાબેન પરમાર
- પક્ષના નેતા: રાકેશભાઈ ઠાકોર
બિનહરીફ વિજેતાઓને મળ્યું 'ઇનામ'
આ ચૂંટણીમાં ભાજપના બે સભ્યો બિનહરીફ ચૂંટાયા હતા, અને પક્ષે આ બંનેને મહત્વના હોદ્દા આપીને પુરસ્કૃત કર્યા છે. કરજણની ચોરંદા બેઠક પરથી બિનહરીફ ચૂંટાયેલા જ્યોત્સનાબેન રબારીને પ્રમુખ પદ અને રણોલી બેઠક પરથી બિનહરીફ બનેલા કૈરવીબેન વાઘેલાને કારોબારી અધ્યક્ષ જેવું અત્યંત મહત્વનું પદ સોંપવામાં આવ્યું છે.
ધારાસભ્યોનો હાથ ઊંચો, સંગઠન હાંસિયામાં?
રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે આ નિમણૂકમાં સ્થાનિક ધારાસભ્યોની ભલામણોને વધુ મહત્વ મળ્યું છે. પ્રમુખ તરીકે જ્યોત્સનાબેનની પસંદગી પાછળ કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, ઉપપ્રમુખ કમલેશ પટેલ માટે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા અને કારોબારી અધ્યક્ષ કૈરવીબેન માટે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું વજન કામ કરી ગયું છે. આ નિર્ણયથી સંગઠનની પકડ નબળી પડી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
બિનઅનુભવી શાસન, 'સભ્ય પતિ' રાજની આશંકા
ભાજપ પક્ષે અગાઉ તાલુકા પંચાયતમાં પ્રમુખ રહી ચૂકેલા અંકિતા પરમાર કે ભૂતપૂર્વ કારોબારી અધ્યક્ષ બિરેન પટેલ જેવા અનુભવી નેતાઓને સાઇડલાઇન કરીને તમામ પાંચેય પદો પર બિનઅનુભવી ચહેરાઓને સ્થાન આપ્યું છે.
વળી, પ્રમુખ અને કારોબારી અધ્યક્ષ બંને પદો પર મહિલાઓની નિમણૂંક કરી છે. આથી, વડોદરા જિલ્લા પંચાયતના વહીવટમાં મહિલા હોદ્દેદારો માત્ર સહી પૂરતા સીમિત રહેશે અને પડદા પાછળ 'સભ્ય પતિઓ'નું રાજ ચાલશે કે કેમ, તે અંગે પણ લોકમુખે ચર્ચા શરૂ થઈ છે.
