Vadodara: નવનિયુક્ત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે IAS અક્ષય બુડાનિયાએ ચાર્જ સંભાળ્યો

વડોદરા મહાનગરપાલિકામાં IAS અક્ષય બુડાનિયાની ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક. ચોમાસાનું આગોતરું આયોજન અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ તેમની મુખ્ય પ્રાથમિકતા રહેશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 18 May 2026 03:40 PM (IST)Updated: Mon, 18 May 2026 03:41 PM (IST)
vadodara-ias-akshay-budania-takes-charge-as-deputy-municipal-commissioner

Vadodara News: વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગાસિંઘની બદલી થતાં, તેમના સ્થાને બોટાદના પૂર્વ જિલ્લા વિકાસ અધિકારી (DDO) અને 2018ની બેચના ગુજરાત કેડરના IAS અધિકારી અક્ષય બુડાનિયાની નિમણૂક કરવામાં આવી છે. નવનિયુક્ત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અક્ષય બુડાનિયાએ આજે વિધિવત રીતે વડોદરા કોર્પોરેશનમાં પોતાનો પદભાર સંભાળી લીધો છે. પાલિકાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પુષ્પગુચ્છ આપીને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

naidunia_image

શહેરી વહીવટનો પ્રથમ અનુભવ, અભ્યાસ બાદ કામગીરીને અપાશે વેગ

ચાર્જ સંભાળ્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં નવનિયુક્ત ડેપ્યુટી કમિશનરે નિખાલસતાપૂર્વક જણાવ્યું હતું કે, શહેરી વિકાસ અને વહીવટ (Urban Department) ક્ષેત્રે આ તેમની પ્રથમ નિયુક્તિ છે. અગાઉ બોટાદ જિલ્લામાં DDO તરીકે વહીવટી ક્ષેત્રે તેમનો અનુભવ ઘણો સફળ રહ્યો છે, પરંતુ મહાનગરપાલિકાનું માળખું અલગ હોય છે. આથી, વડોદરા જેવા ઐતિહાસિક અને મોટા શહેરના વિવિધ પ્રશ્નો, ભૌગોલિક પરિસ્થિતિ અને વહીવટી તંત્રને ઝીણવટપૂર્વક સમજવો એ તેમની પ્રાથમિકતા રહેશે. તેઓ મ્યુનિસિપલ કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર તંત્રનો ઊંડો અભ્યાસ કરી, પોતાની સક્ષમતા મુજબ વડોદરાના વિકાસ કાર્યોને વધુ ગતિશીલ બનાવશે.

naidunia_image

ચોમાસાના આગોતરા આયોજન અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ પર ભાર

આગામી સમયમાં આવી રહેલી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને અક્ષય બુડાનિયાએ જણાવ્યું હતું કે, ચોમાસા દરમિયાન કે અન્ય સમયે આવતી કુદરતી આફતો તેમજ મહાનગરની પાયાની જરૂરિયાતોનું આગોતરું આયોજન કરવું ખૂબ જ જરૂરી છે. વહીવટી સ્તરે તમામ પરિસ્થિતિઓની સમીક્ષા કરીને ભવિષ્યમાં નાગરિકોને પાણી ભરાવા જેવી કે અન્ય મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે દિશામાં યોગ્ય પગલાં લેવામાં આવશે.

naidunia_image

તેમણે ઉમેર્યું હતું કે, વડોદરા સ્માર્ટ સિટી તરફ ઝડપથી આગળ વધે અને કોર્પોરેશનની પ્રગતિ થાય તેવા હેતુ સાથે તેઓ વડોદરાની જનતા માટે પૂરા પરિશ્રમ અને નિષ્ઠા સાથે કામ કરવા કટિબદ્ધ છે. શહેરના લોકોને તમામ પાયાની માળખાકીય સુવિધાઓ સમયસર અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે તંત્ર સતત કાર્યરત રહેશે.