Gujarat Local Government Elections 2026: રાજ્યમાં આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. વડોદરા જિલ્લા પંચાયત અને વિવિધ તાલુકા પંચાયતની બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા એટલે કે 'સેન્સ' લેવાની કામગીરી તેજ કરવામાં આવી છે. આ પ્રક્રિયા દરમિયાન સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના ભાઈએ ટિકિટની માંગ કરતા રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે.
ગોઠડા બેઠક પરથી દાવેદારી
સાવલી વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારના ભાઈ સંદીપ ઇનામદારે જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા માટે પોતાની દાવેદારી નોંધાવી છે. તેમણે સાવલી તાલુકાની મહત્વની ગણાતી ગોઠડા બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
ખાસ વાત એ છે કે, સંદીપ ઇનામદારે પોતે હાજર રહેવાને બદલે પોતાના વિશ્વાસુ કાર્યકરો સાથે ફોર્મ મોકલાવીને વિધિવત રીતે પોતાની દાવેદારી રજૂ કરી હતી. આ ઘટનાને પગલે સાવલી પંથકમાં ભાજપના આંતરિક રાજકારણમાં નવા સમીકરણો જોવા મળી શકે છે.
ટિકિટ વાંચ્છુઓનો ભારે ધસારો
વડોદરા જિલ્લામાં ભાજપના નિરીક્ષકો સમક્ષ કાર્યકરો અને સ્થાનિક નેતાઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. માત્ર જિલ્લા પંચાયત જ નહીં, પરંતુ તાલુકા પંચાયતની બેઠકો પર પણ ટિકિટ મેળવવા માટે હોડ જામી છે.
- શિનોર તાલુકાની સ્થિતિ: શિનોર તાલુકા પંચાયતની બેઠક માટે ભાજપમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો છે. અહીંની મર્યાદિત બેઠકો માટે અંદાજે 300 થી વધુ લોકોએ ટિકિટની માંગ કરી છે.
- વડોદરા જિલ્લામાં જંગી ફોર્મ: સમગ્ર જિલ્લાની તાલુકા પંચાયત બેઠકો માટે સેંકડો લોકોએ પોતાની દાવેદારી નોંધાવી છે, જેના કારણે ઉમેદવાર પસંદ કરવામાં નિરીક્ષકો અને પક્ષના મોવડી મંડળ માટે કસોટી જેવી સ્થિતિ સર્જાઈ છે.
સંગઠનની કસોટી, વફાદારીને પ્રાધાન્ય!
ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયામાં શિસ્ત અને કાર્યકર્તાની પક્ષ પ્રત્યેની વફાદારીને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. જોકે, એક તરફ ધારાસભ્યના ભાઈ જેવા મોટા ચહેરાઓની દાવેદારી અને બીજી તરફ પાયાના કાર્યકરોની લાંબી લાઈન વચ્ચે સંતુલન જાળવવું એ પ્રદેશ નેતૃત્વ માટે પડકારજનક રહેશે. આગામી દિવસોમાં પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા આ નામો પર આખરી મહોર મારવામાં આવશે.
