Vadodara: પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામોની અસર છેક વડોદરાના રાજકારણમાં પણ જોવા મળી છે. બંગાળમાં રાજકીય સ્થિતિમાં આવેલા બદલાવને પગલે વડોદરાના 'યુવા યોદ્ધા સંગઠન' દ્વારા મમતા બેનર્જી સામે ભારે આક્રોશ સાથે અનોખો વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સંગઠનના યુવાનોએ રસ્તા પર ઉતરી મમતા બેનર્જીના પોસ્ટરોને પગ નીચે કચડી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
‘જો આજે મમતા જીતી હોત તો નરસંહાર થાત’
આ પણ વાંચો
વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલા સંગઠનના અગ્રણી ભગવાન ભરવાડે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે, પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધી ‘રાક્ષસ કુળ’ની સરકાર ચાલતી હતી. જો આજે ફરી મમતા બેનર્જીની સત્તા આવી હોત તો બંગાળમાં નિર્દોષ લોકોનો નરસંહાર થયો હોત. હવે ત્યાં હિન્દુઓની અને ન્યાયની સરકાર આવી છે. આ સાથે જ યુવાનોએ મમતા બેનર્જીના પોસ્ટરો રસ્તા પર પાથરી દીધા હતા અને તેના પર ચાલીને પોતાનો રોષ પ્રગટ કર્યો હતો.
મહિલાઓ પર થતા અત્યાચાર મુદ્દે આક્રોશ
યુવા યોદ્ધા સંગઠને બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવતા જણાવ્યું કે, મમતાના શાસનમાં ગુંડાઓ બેફામ બન્યા હતા. ભગવાન ભરવાડે આક્ષેપ કર્યો કે, મમતાના ગુંડાઓ યુવતીઓનું અપહરણ કરી ગેંગરેપ જેવી હીન પ્રવૃત્તિઓ કરતા હતા. હવે જ્યારે ભાજપની સરકાર આવી છે, ત્યારે આવા ગુનેગારોને શોધીને ફાંસીના માંચડે ચઢાવવા જોઈએ. લોકશાહીના હનન અને જનતા પર થતા અત્યાચાર સામે આ પ્રદર્શન એક જન-આક્રોશ હોવાનું સંગઠને જણાવ્યું હતું.
જીતનો શ્રેય અમિત શાહ અને યોગી આદિત્યનાથને
આ ઉજવણી અને વિરોધ દરમિયાન યુવાનોના હાથમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ના પોસ્ટરો જોવા મળ્યા હતા.
પ્રદર્શનકારીઓએ જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક પરિવર્તન અમિત શાહની સચોટ રણનીતિનું પરિણામ છે. અમિત શાહે ચાર મહિના સુધી બંગાળમાં રહીને પારદર્શક ચૂંટણી યોજાય તે માટે જે વ્યવસ્થા ગોઠવી હતી, તેને કારણે જ આજે પરિવર્તન આવ્યું છે. યુવાનોએ "જય શ્રી રામ" અને મક્કમ નેતૃત્વના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવી મૂક્યું હતું.
