વડોદરા: વકીલોની હડતાળનો સુખદ અંત, હાઈકોર્ટે પરિપત્ર પાછો ખેંચ્યો; ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો

ગુજરાત હાઈકોર્ટે અગાઉ જારી કરેલ પરિપત્ર પાછો ખેંચી લેતા વકીલોની હડતાળને પૂર્ણ જાહેર થઈ છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 08 Aug 2026 03:01 PM (IST)Updated: Sat, 08 Aug 2026 03:01 PM (IST)
vadodara-lawyers-strike-ends-gujarat-high-court-circular-withdrawn-celebration
Vadodara Lawyers Strike

Vadodara Lawyers Strike: વડોદરા શહેરના વકીલ આલમમાં છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલી હડતાળનો આજે સુખદ અંત આવ્યો છે. વડોદરા બાર એસોસિએશન અને વકીલ મંડળની મક્કમ લડત અને એકતાને પરિણામે ગુજરાત હાઈકોર્ટે અગાઉ જારી કરેલો પરિપત્ર પાછો ખેંચી લીધો છે, હડતાળને ચોથા દિવસે પૂર્ણ જાહેર કરવામાં આવી છે.

વડોદરાના વકીલોની એકતાની મોટી જીત

પ્રાપ્ત વિગતો અનુસાર, ગુજરાત હાઈકોર્ટના પરિપત્રના વિરોધમાં વડોદરા બાર એસોસિએશન દ્વારા હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું. વકીલો પોતાની માંગણીઓ પર અડગ રહ્યા અને અંતે ગુજરાત હાઈકોર્ટે સકારાત્મક અભિગમ દાખવીને સંબંધિત પરિપત્ર પરત ખેંચી લીધો હતો. આ સમાચારને પગલે વકીલોમાં ઉત્સાહ જોવા મળ્યો અને વડોદરા બાર એસોસિએશને તાત્કાલિક અસરથી હડતાળ સમેટી લેવાની સત્તાવાર જાહેરાત કરી હતી.

કોર્ટ પરિસરમાં ફટાકડાની આતશબાજી

પરિપત્ર પાછો ખેંચાતા જ વડોદરા કોર્ટ પરિસરમાં ઉપસ્થિત સેંકડો વકીલોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. વકીલ મંડળ દ્વારા કોર્ટ સંકુલમાં ફટાકડા ફોડીને વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. વકીલોએ એકબીજાને ગળે મળી, મીઠાઈ વહેંચીને પોતાની જીતની ખુશી વ્યક્ત કરી અને 'ભારત માતા કી જય' ના નારા લગાવ્યા હતા.

સોમવારથી ન્યાયિક કામગીરી પૂર્વવત થશે

વડોદરા બાર એસોસિએશનના અગ્રણીઓએ જણાવ્યું કે, લડાઈ માત્ર વકીલોના અસ્તિત્વની જ નહીં, પરંતુ સામાન્ય પક્ષકારો અને ન્યાય પ્રણાલીના હિતમાં હતી. નોંધનીય છે કે, હડતાળના કારણે છેલ્લા ચાર દિવસથી ન્યાયિક કામકાજ સંપૂર્ણપણે ઠપ થઈ ગયું હતું, જેનાથી અસીલોને ભારે મુશ્કેલી પડી હતી. હવે હડતાળ સમેટાઈ જવાથી સોમવારથી તમામ ન્યાયિક કામગીરી રાબેતા મુજબ શરૂ થઈ જશે, જેનાથી પેન્ડિંગ કેસોના નિકાલમાં પણ વેગ આવશે.