Surat: આજે જાહેર થયેલા ધોરણ 12 સાયન્સ બોર્ડના પરિણામમાં સુરતની પી.પી. સવાણી સ્કૂલના વિદ્યાર્થી હેમલ મૈયાણી સમગ્ર ગુજરાતમાં પ્રથમ અને ગુજકેટમાં 118.75 માર્ક્સ મેળવી સમગ્ર ગુજરાતમાં બીજો ક્રમ મેળવ્યો હતો.
આજરોજ જાહેર થયેલા ધોરણ 12 સાયન્સના પરિણામમાં સુરતની પી.પી. સવાણી સ્કૂલના ટોટલ 84 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવીને શાળાનું નામ રોશન કર્યું હતું. વિશેષમાં શાળાનો વિદ્યાર્થી હેમલ મૈયાણીએ ટોટલ 500 માંથી 486 માર્ક્સ મેળવીને સમગ્ર ગુજરાતમાં બોર્ડમાં પ્રથમ રેન્ક પ્રાપ્ત કર્યો હતો અને ગુજકેટ પરીક્ષામાં 118.75 માર્ક્સ મેળવી તે સમગ્ર ગુજરાતમાં બીજો રેન્ક પ્રાપ્ત કર્યો હતો.
આ ઉપરાંત ગ્રંથ શૈલેશભાઈ જાજડીયા 500માંથી 483 માર્ક્સ અને મૈની સુરેશભાઈ વિરાણીએ 500માંથી 480 માર્ક્સ મેળવીને સમગ્ર ગુજરાતમાં શાળાનું નામ રોશન કર્યું છે. આ તબક્કે શાળાના ચેરમેન વલ્લભભાઈ સવાણીએ એમના ઉજ્વળ ભવિષ્ય માટે શુભેછાઓ પાઠવી હતી.
વધુમાં હેમલ હરેશભાઈ મૈયાણી મૂળ ભાવનગર જિલ્લાના જાળીયા ગામનો વતની છે, તેના પિતા ટેક્સટાઈલના વ્યવસાય સાથે સંકળાયેલા છે. હેમલને AIIMS – DELHI માં જવાની ઉચ્છા છે તેમ જણાવ્યું હતું. 500માંથી 483 માર્ક્સ મેળવનાર ગ્રંથ શૈલેશભાઈ જાજડીયાના પિતા બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા છે તેને EC માં એન્જિનિયરિંગ કરવું છે. જયારે 500માંથી 480 માર્ક્સ મેળવનાર મૈની સુરેશભાઈ વિરાણીના પિતા પ્લાયવુડની દુકાન ધરાવે છે. તેને કમ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ કરવું છે તેમ જણાવ્યું હતું.
જણાવી દઈએ કે, ધો-12 સાયન્સનું 84.33ટકા અને સામાન્ય પ્રવાહનું 92.71 ટકા રિઝલ્ટ જાહેર થયું હતું. 2026ની પરીક્ષામાં ધોરણ 12 સાયન્સના 1,19,263 અને સામાન્ય પ્રવાહના 5,01,286 એમ કુલ 6.20 લાખ પરીક્ષાર્થી હતા. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી આ પરીક્ષા રાજ્યના કુલ 156 કેન્દ્રો પર યોજાઈ હતી.
ધોરણ 12 સાથે ગુજકેટનું રિઝલ્ટ પણ જાહેર કરાયું હતું. 1 લાખ 32 હજાર પૈકી 99 પર્સેન્ટાઈલ સાથે 1459 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. A ગ્રુપમાં 695 વિદ્યાર્થી, B ગ્રુપમાં 764 વિદ્યાર્થી અને 98 પર્સેન્ટાઈલ સાથે A ગ્રુપના કુલ 1233 અને B ગ્રુપમાં 1563 વિદ્યાર્થી પાસ થયા હતા.
આ રિઝલ્ટમાં વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે. 12 સાયન્સમાં 84.65ટકા વિદ્યાર્થિની પાસ થઈ છે. તો 12 સામાન્ય પ્રવાહમાં 95.41ટકા વિદ્યાર્થિની પાસ થઈ છે. જ્યારે વિદ્યાર્થીઓ અનુક્રમે 84.04 ટકા અને 90.10 ટકા પાસ થયા છે.
