ચૂંટણી પરિણામોમાં કેસરિયો લહેરાતા 'કમલમ'માં ભવ્ય વિજયોત્સવ, મુખ્યમંત્રી સહિત ભાજપના કાર્યકરોએ 'ઝાલમુરી'નો સ્વાદ માણ્યો

બંગાળના નાગરિકોને આજે જંગલરાજ માંથી મુક્તિ મળી છે અને હવે વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચશે: હર્ષ સંઘવી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 04 May 2026 06:49 PM (IST)Updated: Mon, 04 May 2026 06:49 PM (IST)
gandhinagar-news-bjp-celebrates-grand-victory-at-kamalam-with-jhalmuri-feast
HIGHLIGHTS
  • પશ્ચિમ બંગાળમાં ભાજપનો વિજય PM મોદીની વિકાસની રાજનીતિ પર જનતાએ મૂકેલો અતૂટ વિશ્વાસ

Gandhinagar: આજે પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય અને ઐતિહાસિક જીતને વધાવવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા, ગાંધીનગર ખાતે વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. જ્યાં કાર્યકરોએ ફટાકડા ફોડી, ઢોલ નગારાના તાલે વંદે માતરમ અને જય શ્રી રામના નાદ સાથે ઉજવણી કરી હતી.

ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘ ખાતે પશ્ચિમ બંગાળની પ્રખ્યાત ‘ઝાલમુરી‘ નો સ્ટોલ લગાવવામાં આવ્યો હતો, જ્યાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ભાજપાના કાર્યકરોએ ઝાલમુરીનો સ્વાદ માણ્યો હતો.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીનો આ વિજય માત્ર એક ચૂંટણીમાં મળેલી જીત નથી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસવાદ પર જનતાએ મૂકેલો અતૂટ વિશ્વાસ છે. આજના ચૂંટણીના પરિણામોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસની રાજનીતિ અને 'વિકસીત ભારત 2047' ના સંકલ્પનો વિજય ગણાવી અભિનંદન પાઠવ્યા હતાં.

તેમણે પશ્ચિમ બંગાળ, આસામ અને પૂડુચેરીના પરિણામો અને ગુજરાતમાં ઉમરેઠ પેટાચૂંટણીમાં ભાજપના વિજયને વધાવ્યો હતો અને જણાવ્યું કે, જનતા સકારાત્મક રાજનીતિ સાથે જોડાઈ રહી છે. આ સાથે જ તેમણે ભાજપના કાર્યકર્તાઓની અથાગ મહેનતની પ્રશંસા કરતા ઉમેર્યું કે હારમાંથી પણ શીખીને સતત આગળ વધતા રહેવું વધવું એ જ ભાજપની વિશેષતા છે. અને તેનું પ્રતિબિંબ આજના પશ્ચિમ બંગાળના પરિણામોમાં સ્પષ્ટ દેખાય છે.

naidunia_image

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપાની ભવ્ય જીતને જનતાના આશીર્વાદનું પરિણામ ગણાવતા જણાવ્યું કે, પૂર્વથી પશ્ચિમ સુધી ભાજપાનો ભગવો લહેરાયો છે. પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ઐતિહાસિક વિજય તેમજ ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં જીત માટે તેમણે જનતાનો આભાર વ્યક્ત કર્યો અને આ વિજયને કાર્યકર્તાઓના સંઘર્ષ, માતા-બહેનોના આશીર્વાદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના અંત્યોદય અને લોકકલ્યાણના કાર્યોનું પરિણામ ગણાવ્યો હતો.

તેમણે ખાસ કરીને બંગાળમાં વર્ષો સુધી થયેલા સંઘર્ષ બાદ મળેલા વિજયને કાર્યકર્તાઓની તપસ્યા અને જનસમર્થનનો પરિણામ ગણાવી સમગ્ર જનતાનો તથા તમામ કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.

હર્ષ સંઘવીએ બંગાળમાં ભાજપના વિજયને ઐતિહાસિક ગણાવતા જણાવ્યું હતું કે, આ જીત સાથે બંગાળના નાગરિકોને જંગલરાજ માંથી મુક્તિ મળી છે અને હવે વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચશે તેમજ વિકાસ અને રોજગારીના નવા દ્વાર ખુલશે.

PM મોદીની વિકાસની રાજનીતિમાં વિશ્વાસ મૂકવા બદલ જનતાનો આભાર માનતા તેમણે ઉમેર્યું કે, આ જીત દેશની રાજનીતિ માટે એક મોટું પરિવર્તન છે. અંતમાં તેમણે આ સફળતા માટે વર્ષોથી સંઘર્ષ કરનાર અને બલિદાન આપનાર ભાજપના કાર્યકર્તાઓ તેમજ તેમના પરિવારોને હૃદયપૂર્વક વંદન કરી અભિનંદન પાઠવ્યા હતા.