રાજુલામાં પ્રેમ પ્રકરણમાં ક્રૂરતાઃ યુવતીને ભગાડી જનાર પ્રેમીનું અપહરણ, બચાવવા વચ્ચે પડેલી માતા પર કાર ચડાવી મોતને ઘાટ ઉતારી

યુવકને અપહરણ કરીને મહુવા તરફ લઈ જઈને પટ્ટા વડે બેરહેમીથી ફટકાર્યો હતો. નીંગાળા નેશનલ હાઈવે પર અપહરણકારોએ પોતાની કાર માતા ઉપર ચડાવી દીધી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 04 May 2026 06:34 PM (IST)Updated: Mon, 04 May 2026 06:34 PM (IST)
amreli-news-mother-killed-while-saving-son-in-love-affair-kidnapping-case-in-rajula
HIGHLIGHTS
  • પોલીસે 9 શખ્સો સામે હત્યા અને અપહરણનો ગુનો નોંધ્યો

Amreli: અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં પ્રેમ પ્રકરણમાં લોહીયાળ જંગ ખેલાયો છે. જેમાં પ્રેમિકાના પરિવારજનોએ પ્રેમી યુવકનું અપહરણ કરી, તેને બચાવવા વચ્ચે આવેલા તેની 50 વર્ષીય માતા પર નિર્દયતાથી કાર ચડાવી દઈ કરપીણ હત્યા નિપજાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, રાજુલામાં રહેતા ભાવેશ ભીલ નામના યુવકને સ્થાનિક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. જેનો ખાર રાખી યુવતીના પરિવારજનોએ ભાવેશનું અપહરણ કરવાનો પ્લાન ઘડ્યો હતો.

અપહરણકારો જ્યારે ભાવેશને બળજબરીપૂર્વક કારમાં બેસાડી લઈ જઈ રહ્યા હતા, ત્યારે તેને છોડાવવા માટે તેની માતા જીતુબેન (50) વચ્ચે પડ્યા હતા.પુત્રને બચાવવા માટે રસ્તા પર ઉભેલા જીતુબેન પર અપહરણકારોએ ક્રૂરતાની હદ વટાવી દીધી હતી. નીંગાળા નેશનલ હાઈવે પર અપહરણકારોએ પોતાની ફોર-વ્હીલ કાર જીતુબેન પર ચડાવી દીધી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા વૃદ્ધાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

માતાની હત્યા કર્યા બાદ પણ શખ્સોનો રોષ શાંત થયો ન હતો. તેઓ પ્રેમી ભાવેશ ભીલને અપહરણ કરી મહુવા તરફ લઈ ગયા હતા, જ્યાં તેને પટ્ટા વડે બેફામ માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.

આ ચકચારી ઘટનાને પગલે રાજુલા પોલીસ તુરંત હરકતમાં આવી છે. પોલીસે આ મામલે 9 જેટલા શખ્સો સામે અપહરણ અને હત્યા (કલમ 302) સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પ્રેમ પ્રકરણમાં એક નિર્દોષ માતાનો ભોગ લેવાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે