Amreli News: અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આવેલા ચલાલ વિસ્તારમાં ફરજ પરના ફોરેસ્ટર પર ગેરકાયદેસર સિંહદર્શન માટે દબાણ કરી હુમલો કરવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. રેસ્ક્યુ કરાયેલા સિંહને મુક્ત કરવાની કામગીરી દરમિયાન સિંહ દર્શનનો ઇનકાર કરતાં ત્રણેય શખ્સોએ ફોરેસ્ટર સાથે ગાળાગાળી કરી કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલામાં વન કર્મચારી ઇજાગ્રસ્ત થતાં ચલાલા પોલીસ મથકે ગુનો નોંધાયો છે.
શું છે સમગ્ર ઘટના
મળતી માહિતી પ્રમાણે, ચલાલા-ગોપાલ ગ્રામ રોડ પર ગુરુકૃપા નજીક ફોરેસ્ટર શિવરાજભાઈ ધાધલ પોતાની ફરજ પર હતા. તે સમયે રેસ્ક્યુ કરાયેલા સિંહને મુક્ત કરવાની કામગીરી ચાલી રહી હતી. ત્યારે આરોપી અસીમ શાપુભાઈ ઉર્ફે ગુલાબભાઈ લલિયા અને એક શખ્સ ફોર્ચ્યુનર લઈને આવ્યા હતા અને ફોરેસ્ટર પાસે ગેરકાયદેસર સિંહ બતાવવાની માગ કરી હતી. જ્યારે ફરજ બજાવતા ફોરેસ્ટરે સિંહ દર્શાવવાનો સ્પષ્ટપણે ઈનકાર કરી દેતાં ઉશ્કેરાયેલા શખ્સોએ ફોરેસ્ટર સાથે ગાળાગાળી કરને ફરજમાં રુકાવટ ઉભી કરી હતી.
ફોરેસ્ટરને મારવાનો પ્રયાસ
આરોપીઓએ કાર રિવર્સ લેતી વખતે શિવરાજભાઈ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કરાતાં તેમના કાંડાના ભાગે ઇજાઓ થઈ હતી. આ ઘટના બાદ ઈજાગ્રસ્ત ફોરેસ્ટર શિવરાજભાઈ ધાધલે ચલાલા પોલીસ સ્ટેશનમાં સરકારી ફરજમાં રુકાવટ અને હુમલા અંગે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.
ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ
પોલીસ તપાસ દરમિયાન આ ગુનામાં અન્ય તૌસીફ લલિયા નામના ઇસમનું નામ સામે આવ્યું છે. તેના પર આક્ષેપ છે કે, તેણે ફોરેસ્ટરને ફોન પર ધમકી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. હાલ ચલાલા પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
