Vadodara: વડોદરા શહેરમાંથી વર્ષ 2018માં રહસ્યમય રીતે ગૂમ થયેલા એક સુશિક્ષિત યુવકને સાડા સાત વર્ષ બાદ કોલકત્તામાંથી જીવતો શોધી કાઢવાની હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે.
સતત સાત વર્ષ સુધી કોઈ સગડ ન મળતાં પોલીસે આ યુવકને મૃત જાહેર કરી સિવિલ ડેથ ડિકલેર કરી હતી, પરંતુ કિસ્મતને કંઈક અલગ જ મંજૂર હતું. જે યુવકને કાગળ પર મૃત ગણવામાં આવ્યો હતો તે આજે જીવતો મળી આવ્યો છે અને હવે ફરી એકવાર પરિવાર સાથે મિલન થવાનું છે.
આ પણ વાંચો
પુત્રનો વિયોગ સહન ના થતાં માતાનું હ્રદય બેસી ગયું
વડોદરાના પ્રતાપનગર વિસ્તારમાં રહેતો આ યુવક વર્ષ 2018માં માનસિક બિમારીનો શિકાર બન્યો હતો. ઓગસ્ટ 2018માં 'દૂધ લેવા જઈ રહ્યો છું' કહી ઘરેથી નીકળેલો યુવક પાછો ફર્યો નહોતો.
બાપોદ પોલીસ સ્ટેશનમાં ગુમશુદાની ફરિયાદ નોંધાઈ હતી, પરંતુ વર્ષો સુધી તપાસ બાદ પણ કોઈ પત્તો ન લાગતાં અંતે તપાસ બંધ કરી યુવકને મૃત જાહેર કરાયો હતો. આ ઘટનાના આઘાતમાં તેની માતાનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું.
આ યુવક અગાઉ મુંબઈની એક પ્રતિષ્ઠિત કંપનીમાં નોકરી કરતો હતો અને દુબઈમાં પણ કામ કરી ચૂક્યો હતો. ચારથી પાંચ ભાષાનું જ્ઞાન ધરાવતો આ સુશિક્ષિત યુવક હાલ 43 વર્ષનો છે. માનસિક સારવાર ચાલતી હોવાથી સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા અનુસાર તેનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.
થોડા દિવસ પહેલાં કોલકત્તાની ગલીઓમાં ફરતા યુવકને 'ઈશ્વર સંકલ્પ' નામની સેવાભાવી સંસ્થાના કાર્યકર તપન પ્રધાન મળ્યા હતા. યુવકે માત્ર એટલું જણાવ્યું હતું કે, વડોદરાના પ્રતાપનગરમાં તેની માસી રહે છે. આ માહિતીના આધારે તપન પ્રધાને સુરતમાં રહેતા CID ક્રાઈમ અને રેલવેઝના મહિલા તથા બાળ મિત્ર કોઓર્ડિનેટર પિયુષકુમાર શાહનો સંપર્ક કર્યો હતો.
પિયુષકુમાર શાહે તાત્કાલિક યુવકનો ફોટો મંગાવી વડોદરાના કોઓર્ડિનેટર ઉમેશ બેલસરને મોકલ્યો હતો. ઉમેશે પ્રતાપનગર વિસ્તારમાંથી વૃદ્ધ પિતાને શોધી કાઢ્યા. પુત્ર જીવતો હોવાની ખબર અને ફોટો જોઈને પિતાની આંખોમાં ખુશીના આંસુ છલકાઈ ઉઠ્યા હતા.
પોલીસની ટીમ સાથે ભાવુક બનેલા વૃદ્ધ પિતા કોલકત્તા પહોંચી ગયા છે. યુવકનો જન્મ દિવસ 15મી જાન્યુઆરી હોવાથી તે જ દિવસે વડોદરામાં પરિવાર સાથે પુનર્મિલન થવાનું છે. માનવતા, પોલીસ સંવેદના અને સેવાભાવનું આ એક જીવતું ઉદાહરણ બની રહેલી ઘટના શહેરમાં ચર્ચાનો વિષય બની છે.
