Gir Somnath: સોમનાથ મંદિર, જે ભારતની અસ્મિતા અને અતૂટ આસ્થાનું કેન્દ્ર છે, ત્યાં આગામી 8 થી 11 જાન્યુઆરી દરમિયાન ભવ્ય ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’નું (Somnath Swabhiman Parv) આયોજન કરવામાં આવ્યું છે. મહમૂદ ગઝ્નવી દ્વારા કરવામાં આવેલા આક્રમણને આજે એક હજાર વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે આ પર્વ દ્વારા સોમનાથના સંઘર્ષ અને વિજયની ગાથાને ફરી જીવંત કરવામાં આવશે.
આ ઉત્સવની શરૂઆત 8 જાન્યુઆરીથી થશે. સમગ્ર સોમનાથ સંકુલમાં સતત 24 કલાક સુધી 'ઓમકાર નાદ'ના જાપ કરવામાં આવશે, જેનાથી વાતાવરણ શિવમય બની જશે. વિશેષ આકર્ષણ તરીકે, સોમનાથના દરિયાકિનારે અસંખ્ય બોટ રાખવામાં આવશે, જે લાઈટિંગ અને ડેકોરેશનથી ઝળહળી ઉઠશે, જે શ્રદ્ધાળુઓ માટે એક નયનરમ્ય દ્રશ્ય પૂરું પાડશે.
આ પર્વમાં જોડાવા માટે રાજ્યના ચાર મુખ્ય મહાનગરો— અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત—થી દરરોજ એક-એક સ્પેશિયલ ટ્રેન સોમનાથ માટે દોડાવવામાં આવશે. આ વ્યવસ્થાને કારણે લાખો ભક્તો સુવિધાપૂર્વક દર્શન અને કાર્યક્રમનો લાભ લઈ શકશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરીના રોજ સાંજે 5:30 કલાકે સોમનાથ પહોંચશે. તેઓ સોમનાથ ટ્રસ્ટ સાથે મહત્ત્વની બેઠક યોજશે અને રાત્રિના સમયે આકાશમાં ભવ્ય ડ્રોન શો યોજાશે, જે સોમનાથના ઈતિહાસને આધુનિક ટેકનોલોજી દ્વારા પ્રદર્શિત કરશે.
11 જાન્યુઆરીના રોજ સવારે વડાપ્રધાન સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવશે. ત્યારબાદ શંખ સર્કલથી હમીરજી ગોહિલની પ્રતિમા સુધી ભવ્ય રોડ-શો દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવશે.
સોમનાથ ખાતે એક વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 1 લાખથી વધુ લોકો ઉમટી પડવાની શક્યતા છે. વડાપ્રધાન મોદી આ સભાને સંબોધશે, જેમાં તેઓ સોમનાથના શૌર્ય, સંઘર્ષ અને અતૂટ આસ્થા વિશે વાત કરશે.
આ માત્ર એક ઉત્સવ નથી, પણ આપણી સંસ્કૃતિ અને સ્વાભિમાનનું પ્રતીક છે. 1000 વર્ષ પહેલાં જે આક્રમણ થયું હતું, તેની સામે આપણી આસ્થા કઈ રીતે અડીખમ રહી તે આ પર્વ દ્વારા નવી પેઢીને જાણવા મળશે.
