Vadodara: 'વિશ્વ આદિવાસી દિવસ'ની યાત્રા રણમેદાનમાં ફેરવાઈ, સોમા તળાવ નજીક બે જૂથો વચ્ચે અથડામણથી તંગદિલી

વડોદરામાં વિશ્વ આદિવાસી દિવસની યાત્રા દરમિયાન સોમા તળાવ પાસે નજીવી બાબતે બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી. આ ઘટનાથી વિસ્તારમાં તંગદિલી વ્યાપી ગઈ હતી અને કાયદો વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 09 Aug 2026 10:48 PM (IST)Updated: Sun, 09 Aug 2026 10:48 PM (IST)
vadodara-news-world-adivasi-divas-rally-turns-violent-two-groups-clash-near-soma-talav

પ્રશાંત ગજ્જર, Vadodara News: વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ધાર્મિક અને સામાજિક ઉત્સવો દરમિયાન અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવા બનાવો સતત સામે આવી રહ્યા છે. દશામાં અને ગણેશજીની આગમન યાત્રા બાદ હવે 'વિશ્વ આદિવાસી દિવસ' નિમિત્તે નીકળેલી યાત્રામાં પણ હિંસક દ્રશ્યો જોવા મળ્યા છે.

શહેરના સોમા તળાવ વિસ્તાર પાસે નીકળેલી આદિવાસી દિવસની યાત્રા દરમિયાન નજીવી બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા બે જૂથો વચ્ચે છૂટા હાથની મારામારીના દ્રશ્યો સર્જાયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે વડોદરા શહેરમાં ઉત્સાહભેર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સોમા તળાવ પાસેથી પસાર થઈ રહેલી આ યાત્રામાં કોઈ નજીવી બાબતે અચાનક જ બે જૂથો સામસામે આવી ગયા હતા. વાતચીતથી શરૂ થયેલો વિવાદ એટલો વધ્યો કે, જોતજોતામાં મામલો મારામારી સુધી પહોંચ્યો હતો.

યાત્રામાં જોડાયેલા કેટલાક યુવકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ છૂટા હાથની મારામારી શરૂ થઈ ગઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે, જેમાં જાહેરમાં લાતો અને મુક્કાવાળી થતી સ્પષ્ટ જોઈ શકાય છે.

આ ઘટના બાદ વડોદરા શહેરની સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. શહેરમાં એક પછી એક નીકળતી યાત્રાઓ અને સામાજિક એકતાના કાર્યક્રમોમાં આ પ્રકારે માથાકૂટ અને મારામારી થવાના સિલસિલાએ સામાન્ય નાગરિકોની ચિંતા વધારી દીધી છે.

સોમા તળાવ પાસે બનેલી આ ઘટના બાદ શહેરીજનો અને જવાબદાર નાગરિકો દ્વારા માગ કરવામાં આવી રહી છે કે, વાયરલ થયેલા વીડિયોના આધારે તોફાની તત્વોની ઓળખ કરવામાં આવે અને કાયદો હાથમાં લેનારા તમામ જવાબદારો સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવા બનાવોની પુનરાવૃત્તિ ન થાય અને શહેરમાં શાંતિ તેમજ ભાઈચારો જળવાઈ રહે.