Ahmedabad PG Rape Case: પોલીસની 10 ટીમોની મહેનત રંગ લાવી, મોડી રાતે દુકાનો ખોલાવીને CCTVનું મેપિંગ કરી સવારે આરોપી સુધી પહોંચી

આરોપી 4 દિવસ પહેલા જ કામ પર લાગ્યો હોવાથી તેની વધારે વિગતો ઉપલબ્ધ નહતી. તેણે મોબાઈલ પણ સ્વીચ ઑફ કરી દીધો હતો. આથી આરોપી ઘટના સ્થળથી ચાલતો-ચાલતો જ્યાં-જ્યાંથી પસાર થયો, તે સમગ્ર રૂટ પરના CCTV ચેક કરીને આખા વિસ્તારનું મેપિંગ કરવામાં આવ્યું

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 09 Aug 2026 10:09 PM (IST)Updated: Sun, 09 Aug 2026 10:09 PM (IST)
ahmedabad-pg-rape-security-guard-arrested-in-morning-after-mega-search-and-cctv-mapping
HIGHLIGHTS
  • વહેલી સવારે આરોપી સિક્યુરિટી ગાર્ડને થલતેજથી ઝડપી પાડવામાં આવ્યો

Ahmedabad PG Rape Case: શહેરના આનંદનગર વિસ્તારમાં PGમાં રહેતી યુવતી પર દુષ્કર્મ આચરનાર સિક્યુરિટી ગાર્ડ આખરે ગણતરીના કલાકોમાં ઝડપાઈ ચૂક્યો છે. આરોપી માત્ર 4 દિવસ પહેલા જ કામ પર લાગ્યો હોવાથી તેની પુરતી વિગતો ના હોવા છતાં અમદાવાદ પોલીસની અલગ-અલગ ટીમોએ આખી રાત મેગા સર્ચ ઑપરેશન હાથ ધરીને આરોપીને વહેલી સવારે ઝડપી પાડ્યો છે.

PGના ધાબા પર ગયેલી યુવતીનું વાયર વડે ગળું દબાવીને દુષ્કર્મ આચર્યું

8 ઓગસ્ટની રાતે 9 થી સાડા 10 વાગ્યાના અરસામાં PGમાં રહેતી યુવતી ટેરેસ પર ગઈ હતી. આ સમયે તેની એકલતાનો લાભ લઈને PGમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ધરમસિંહે વાયરથી યુવતીનું ગળું દબાવીને તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતુ. જે બાદ ધરમસિંહ ટેરેસને બહારથી લોક કરીને ફરાર થઈ ગયો હતો.

બીજી તરફ આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસના સીનિયર અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર આવી પહોંચ્યો હતો અને પીડિતાને મેડિકલ માટે મોકલી આપી હતી. જે બાદ આરોપીની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.


પોલીસે મોડી રાતે દુકાનો ખોલાવીને CCTV ચેક કર્યા

આ અંગે વિગતો આપતા અમદાવાદ પોલીસના JCP નીરજ બડગુજરે જણાવ્યું કે, આ ગુનાનો આરોપી માત્ર 4 દિવસ પહેલા જ કામ પર આવ્યો હોવાથી તેની ખૂબ જ ઓછી માહિતી અમારી પાસે હતી. તેનો ફોન પણ સ્વીચ ઑફ આવતો હતો. જ્યારે તેના આધારકાર્ડમાં બહારગામનું સરનામું હતુ.

આથી તેને પકડવા માટે તાત્કાલિક અલગ-અલગ 10 ટીમો બનાવવામાં આવી હતી. જેમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચની ઝોન 7 અને 1ની ટીમો, આનંદનગર ડી-સ્ટાફ, બોડકદેવ ડી-સ્ટાફ, સેટેલાઈટ ડી-સ્ટાફ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચના ઈન્સપેક્ટર સહિતની ટીમો કામે લાગી હતી.

આરોપી ચોક્કસ ક્યાં રહેતો હતો, તેનું કોઈ ઠેકાણું નહતુ. જે સિક્યુરિટી વાળાએ તેને કામ પર રાખ્યો હતો, તેમને પણ નહતી ખબર કે તેના સંપર્કમાં કોણ-કોણ છે. રાતે બનાવ બન્યા બાદ રેલવે સ્ટેશનો પરથી ઉપડતી ટ્રેનો પર વોચ કરવા માટે પણ ટીમો દોડાવવામાં આવી હતી.

પોલીસની ટીમોએ ઘટના સ્થળથી નીકળતા આરોપીના રૂટ પર ચાલતા-ચાલતા ગયા અને રાતે જ્યાં CCTV દેખાય, તે દુકાનો ખોલાવીને ચેક કર્યા. આ ઉપરાંત પોલીસ કંટ્રોલરૂમમાંથી પણ CCTV ચેક કરીને આખા વિસ્તારનું મેપિંગ કરી.

અમારી ટીમો CCTV ચેક કરતા-કરતા આગળ વધતી ગઈ. આખરે લોકલ ડી-સ્ટાફની ટીમે મળેલી બાતમીના આધારે આરોપીને હેબતપુર-થલતેજ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.