Ahmedabad PG rape case: અમદાવાદ શહેરના એક PGમાં યુવતી સાથે થયેલ દુષ્કર્મની ઘટનામાં સિક્યુરિટી એજન્સીની ગંભીર બેદરકારી સામે આવી છે. આ કેસમાં તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું કે, આરોપી ગાર્ડ જે કંપનીમાં કામ કરતો હતો, તેનું લાઈસન્સ ચાર મહિના પહેલા એક્સપાયર થઈ ગયું હતું. આ મામલે આનંદનગર પોલીસે કંપનીના માલિક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તાલીમ વગર જ આરોપીને નોકરી પર રાખ્યો
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી સિક્યુરિટી ગાર્ડ ધર્મસિંહ માત્ર ચાર દિવસ પહેલા જ એ વન સિક્યુરિટી કંપનીમાં નોકરી પર લાગ્યો હતો. કંપની દ્વારા તેને કોઈપણ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવી નહોતી. નિયમો મુજબ, કોઈપણ ગાર્ડને ફરજ પર રાખતા પહેલા તેને 160 કલાકની તાલીમ આપવી ફરજિયાત છે, જેનું અહીં ઉલ્લંઘન થયું હોવાનું જણાય છે.
લાઈસન્સ રીન્યુ કરવામાં માલિકની બેદરકારી
આ કંપનીના માલિક રામપ્રકાશ તિવારી વર્ષ 2015 થી આ એજન્સી ચલાવે છે. વર્ષ 2021માં રીન્યુ કરેલા કંપનીના લાઈસન્સની મુદત 5 એપ્રિલ 2026 સુધી હતી. આ મુદત પૂરી થયાને 4 મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં, લાયસન્સ રીન્યુ કરાવવાની કોઈ પ્રક્રિયા કરવામાં આવી નહોતી. લાઈસન્સ વગર ગેરકાયદેસર રીતે એજન્સી ચલાવવા અને સુરક્ષાના નિયમોમાં બેદરકારી દાખવવા બદલ માલિક સામે કાર્યવાહી કરવામાં આવી છે.
સિક્યુરિટી એજન્સીઓ માટેના નિયમો
રાજ્યમાં ખાનગી સિક્યુરિટી એજન્સીઓએ PSARA (પ્રાઈવેટ સિક્યુરિટી એજન્સી રેગ્યુલેશન એક્ટ) હેઠળ નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે. જે અંતર્ગત:
એજન્સી પાસે માન્ય PSARA લાયસન્સ હોવું જોઈએ.
દરેક ગાર્ડનું પોલીસ વેરિફિકેશન અને કેરેક્ટર સર્ટિફિકેટ મેળવવું ફરજિયાત છે.
ગાર્ડને ફરજ પર મૂકતા પહેલા 160 કલાકની ટ્રેનિંગ આપવી જરૂરી છે.
કંપનીનું યોગ્ય રજિસ્ટ્રેશન હોવું જોઈએ.
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડની સ્થિતિ
માહિતી મુજબ, ગુજરાતમાં આશરે 2,500 અને માત્ર અમદાવાદમાં 800 જેટલી ખાનગી સિક્યુરિટી એજન્સી કાર્યરત છે. અમદાવાદમાં અંદાજે 1.50 લાખ ગાર્ડ સોસાયટી, મોલ અને ઓફિસમાં ફરજ બજાવે છે. જોકે, ઘણી એજન્સીઓ ગાર્ડના વેરિફિકેશન અને દેખરેખમાં ઉણી ઉતરી રહી છે, જે નાગરિકોની સુરક્ષા સામે મોટો પ્રશ્નાર્થ ઊભા કરે છે.
