Gandhinagar Minor Death After Rape: કલોલની સગીરા પર ગાંધીનગરની હોટલમાં તેના પ્રેમી દ્વારા દુષ્કર્મ કેસમાં આખરે આરોપી ઝડપાઈ ચૂક્યો છે, ત્યારે તેના પરિવાર દ્વારા કેસ દબાવી દેવા માટે પૈસાની ઓફર કરવામાં આવી હોવાનો મૃતક સગીરાના પરિવારે દાવો કર્યો છે. આ મામલે મૃતક સગીરાના પરિવારજનોએ આરોપીને ફાંસીની સજાની માંગ કરી છે.
અમને ન્યાય મળવો જોઈએ, આરોપી દીપ શર્માને ફાંસી થાયઃ મૃતકની માતા
આ અંગે મૃતક સગીરાની માતાએ આક્ષેપ કરતાં જણાવ્યું કે, આરોપીના પરિવારજનોએ પૈસા ખવડાવતા તેમણે મારી દીકરીને પોલીસ કેસ કર્યા વિના ડાયરેક્ટ એડમિટ કરી દીધી . મારી દીકરીની બેગ, સોનાની ચેન, તેની વીંટીઓ અને કપડા પણ નથી. જ્યારે અમે મળવા ગયા, ત્યારે હોસ્પિટલનો સ્ટાફ અમને મારી દીકરીને મળવા પણ નહતો દેતો. અમે બે દિવસ સુધી હોસ્પિટલ રહ્યા, પરંતુ ત્યાં મારી દીકરી બેભાન અવસ્થામાં જ રહી.
આખરે અમને એવું કહી દેવામાં આવ્યું કે, તમારી દીકરી હલન-ચલન નથી કરતી અને કેસ સીરિયસ છે. અમારી પાસે એવા સાધનો પણ નથી. જેથી અમે મારી દીકરીને એડવાન્સ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા, પરંતુ કમનસીબે મારી દીકરી બચી નથી. અમને ન્યાય મળવો જોઈએ અને આરોપી દીપ શર્માને ફાંસીની સજા થવી જોઈએ.
આરોપીના માતા-પિતાએ મારી દીકરીના વાલી બનીને તેને એડમિટ કરીઃ મૃતકના પિતા
જ્યારે મૃતક સગીરાના પિતાએ જણાવ્યું કે, ગત 6 ઓગસ્ટના રોજ મારી દીકરી કલોલથી ગાંધીનગર કોલેજ ગઈ હતી. જ્યાંથી અમને કહ્યું કે, તે સરખેજ મારા સાઢુના ત્યાં જવાની છે. જો કે મારી દીકરી ત્યાં નહતી પહોંચી કે કલોલ ઘરે પણ નહતી આવી. મારી દીકરી ગાંધીનગરથી જ ગાયબ થઈ ગઈ. દીપ શર્મા (રહે. પેથાપુર) નામનો છોકરો મારી દીકરીને લઈ ગયો અને તેના પર બળાત્કાર થયો.
આરોપીનો પરિવાર સવારે સાડા 5 કલાકે મારા ઘરે આવ્યો, ત્યારે અમને જાણ થઈ. તેમણે હોસ્પિટલમાં મારી દીકરીના ખોટા માતા-પિતા બનીને તેને દાખલ કરી દીધી હતી. જ્યારે આરોપી મારી દીકરીને હોસ્પિટલમાં મૂકીને ભાગી છૂટ્યો હતો. આરોપી યુવકાના કુટુંબના એક વ્યક્તિ અમારા ઘરે આવ્યા હતા અને સમાધાન માટે પૈસાની ઓફર આપી હતી કે, તમે કેસ ના કરતા. તમારી છોકરીની તમામ જવાબદારી અમારી છે. જો કે અમે ઓફર નકારી કાઢી હતી. આજે હવે મારી દીકરી અમારા વચ્ચે નથી રહી. અમારે બસ અમારી દીકરી માટે ન્યાય જોઈએ છે.
પોક્સોનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ
હાલ તો આ સમગ્ર મામલે પેથાપુર પોલીસે પોક્સો હેઠળ ગુનો દાખલ કરીને આરોપી દીપ શર્માની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં દુષ્કર્મની ઘટના ગાંધીનગર સ્થિત સેક્ટર 16માં આવેલા ગેસ્ટહાઉસમાં બની હોવાનું ધ્યાને આવ્યું છે. હાલ તો ફોરેન્સિક ટીમને સાથે રાખીને પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે.
