Ahmedabad News: અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ ગોલ્ડ સ્મગલરોની પ્રથમ પસંદ બન્યું હોય, તેમ છેલ્લા કેટલાક સમયથી સોનાની દાણચોરીના કિસ્સાઓમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. આવા જ વધુ એક કિસ્સામાં દોહાથી આવેલા એક મુસાફર પાસેથી રૂ.65.69 લાખની કિંમતની સોનાની પેસ્ટ મળી આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU)ના અધિકારીઓએ કતાર એરવેઝની ફ્લાઈટમાં દોહાથી જેદ્દાહ થઈને આવેલા સરફરાઝ (રહે. ગોધરા) નામના મુસાફરની હિલચાલ શંકાસ્પદ જણાતા તેને અટકાવ્યો હતો.
જે બાદ અધિકારીઓએ તલાસી લેતા મુસાફરના ગુપ્તભાગમાંથી 422.83 ગ્રામ સોનાની પેસ્ટ છૂપાવેલી મળી આવી હતી, જેની બજાર કિંમત રૂ.65.69 લાખ થવા જાય છે. હાલ તો સોનું જપ્ત કરવા સાથે કસ્ટમ્સ એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરીને મુસાફરની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં મુસાફરને ગોધરાના અલ્તાફ નામના ઈસમે સોનાની દાણચોરી માટે 12 હજાર રૂપિયા આપ્યા હતા. તેમજ પોતે પહેલી વખત જ સોનું લઈને આવતા એરપોર્ટ પર પકડાયો હોવાનું માલૂમ પડ્યું છે. હાલ તો કસ્ટમ વિભાગ મુસાફરની કબૂલાતને લઈને ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
સ્મગલિંગમાં જપ્ત કરેલું સોનું સરકારની તિજોરીમાં જમા કરાશે
ઉલ્લેખનીય છે કે, દાણચોરીના કેસમાં કસ્ટમ દ્વારા જપ્ત કરવામાં આવેલું સોનું મુસાફરને પરત નથી કરવામાં આવતું, પરંતુ તેને કેન્દ્ર સરકારની તિજોરીમાં જમા કરાવવામાં આવે છે. આ સિવાય કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દાણચોરીનું સોનું લઈને આવનાર મુસાફર પાસેથી 200 ટકા સુધીની પેનલ્ટી વસૂલવામાં આવે છે.
