Ahmedabad Anuj Mudaliar Paghdi, Navratri 2026: ગુજરાતીઓના મનપસંદ તહેવાર નવરાત્રીના આડે એકાદ મહિનો બાકી છે. જોકે, અત્યારથી જ ખેલૈયાઓમાં ગરબાનો ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. બીજી તરફ, અમદાવાદના જાણીતા ખેલૈયા અનુજ મુદલિયાર દ્વારા તૈયાર કરવામાં આવેલી 'આદ્યશક્તિ' થીમ આધારિત 5 કિલોની ભવ્ય અને અનોખી પાઘડી આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની છે.
'આદ્યશક્તિ' થીમ પર 5 કિલોની વિશાળ પાઘડી
'આદ્યશક્તિ' થીમ પર આધારિત વિશાળ પાઘડીને સંપૂર્ણપણે આકાર આપવામાં અનુજ મુદલિયારને બે મહિના જેટલો સમય લાગ્યો છે. માતા આદ્યશક્તિની આરાધના, ગુજરાતની સમૃદ્ધ લોકસંસ્કૃતિ અને અમદાવાદના ભવ્ય ઐતિહાસિક વારસાનો સંગમ ધરાવતી પાંચ કિલોની આ પાઘડી નવરાત્રી પૂર્વે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
માતાજીનું ત્રિશૂળ, કળશ અને પરંપરાગત ભરતકામ
આ પાઘડીમાં રંગબેરંગી પરંપરાગત ભાત, ઝળહળતા મોતી, ટ્રેડિશનલ ભરતકામ, કાચકામ અને બારીક હસ્તકલાનો અદભુત ઉપયોગ કરવામાં આવ્યો છે. પાઘડી પર માતાજીનું ત્રિશૂળ, કળશ, તલવાર અને ખેલૈયાના આકારો અદ્ભુત લાગે છે. આ ઉપરાંત, પાઘડીમાં અમદાવાદના હેરિટેજ સ્થાપત્યો જેવા કે હઠીસિંહના જૈન દેરાસર અને પ્રસિદ્ધ કાંકરિયા તળાવની આબેહૂબ પ્રતિકૃતિ વણી લેવામાં આવી છે.
16 વર્ષથી ગરબામાં લીન 'પાઘડીમેન' અનુજ મુદલિયાર
ગુજરાતમાં ગરબા માત્ર નૃત્ય નથી પરંતુ રાજ્યની સંસ્કૃતિ છે. અનુજ મુદલિયાર મૂળ ગુજરાતી ન હોવા છતાં અમદાવાદમાં રહીને ગરબાના રંગમાં સંપૂર્ણપણે રંગાઈ ગયા છે. તેઓ સતત 16 વર્ષથી અનોખી થીમ સાથે અવનવી પાઘડીઓ બનાવવાનું કામ કરે છે. આ વખતે 5 કિલોની પાઘડી સાથે તેમના આખા શણગારનું વજન આશરે 18 કિલો હશે, જેને ધારણ કરીને તેઓ સમગ્ર ગુજરાતમાં ગરબા રમશે.
રામ મંદિર અને કોરોના વોરિયર્સ પર બનાવી પાઘડી
અનુજ દર વર્ષે એક નવા સંદેશ સાથે ગરબા ગ્રાઉન્ડ પર પહોંચે છે. અગાઉના વર્ષોમાં તેમણે GST, હેરિટેજ, નરેન્દ્ર મોદી, કોરોના વોરિયર્સ, રિયલ હીરો સોનુ સૂદ, રામ મંદિર અને ઓપરેશન સિંદૂર જેવી વિવિધ થીમ પર પાઘડી તૈયાર કરી હતી. તેમના મતે પાઘડી માત્ર શણગારનું સાધન નથી, પરંતુ ગુજરાતની સંસ્કૃતિ અને શક્તિનું ઉત્કૃષ્ટ પ્રતીક છે.
