Chhota Udepur: વડોદરાના વકીલ દંપતી અને જુનિયર સામે દુષ્કર્મ અને એટ્રોસિટીનો ગુનો દાખલ, કામવાળી યુવતીની સંખેડા પોલીસમાં ફરિયાદ

સંખેડા પોલીસ મથકમાં વડોદરાના વકીલ હિતેશ ગુપ્તા, તેમની પત્ની અને જુનિયર સામે 26 વર્ષીય યુવતીએ દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે વકીલે આરોપોને પાયાવિહોણા ગણાવી નાર્કો ટેસ્ટ કરાવવાની તૈયારી દર્શાવી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 09 Aug 2026 07:24 PM (IST)Updated: Sun, 09 Aug 2026 07:24 PM (IST)
chhota-udepur-news-vadodara-lawyer-and-junior-booked-for-rape-atrocity-act-in-sankheda-police-station

Chhota Udepur News: સંખેડા પોલીસ મથકમાં વડોદરાના જાણીતા વકીલ હિતેશ ગુપ્તા, તેમની પત્ની સુભ્રા ગુપ્તા અને એક જુનિયર સામે 26 વર્ષીય યુવતીએ દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. પીડિતા અગાઉ વકીલની ઓફિસ તેમજ ઘરમાં ઘરકામ કરતી હતી.

મારા પતિ બોલાવે, ત્યારે જવું પડશે નહીંતર વીડિયો વાયરલ થશે

પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, 1 ફેબ્રુઆરી 2026 થી 22 મે 2026 દરમિયાન યુવતી જ્યારે ઓફિસમાં સફાઈ કામ કરતી અને અંધારું થતાં રોકાતી, ત્યારે વકીલ હિતેશ ગુપ્તાએ તેની મરજી વિરુદ્ધ બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું.

આ બાબતે જ્યારે યુવતીએ વકીલની પત્ની સુભ્રા ગુપ્તાને જાણ કરી, ત્યારે પત્નીએ પીડિતાને સાથ આપવાને બદલે ધમકી આપી હતી કે, તેના પતિ બોલાવે ત્યારે જવું પડશે. જો કોઈને વાત કરી તો અંગત પળોના વીડિયો વાયરલ કરી દેવાશે. આ ઉપરાંત વકીલના જુનિયરે પણ પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે.

વકીલે કેનાલ નજીક કારમાં દુષ્કર્મ ગુજારી જાતિ વિષયક અપશબ્દો કહ્યા

પીડિતાએ વધુમાં જણાવ્યું હતું કે, ગત ૫ મેના રોજ ગોલાગામડીથી સંખેડા તરફ જતા કેનાલ પાસે કારમાં પણ આરોપીઓએ દુષ્કર્મ ગુજાર્યું હતું અને આ દરમિયાન જાતિ વિષયક અપમાનજનક શબ્દો પણ બોલવામાં આવ્યા હતા. ડરના માર્યે પીડિતાએ આ વાત લાંબા સમય સુધી છૂપી રાખી હતી, પરંતુ બહેનપણીની હિમ્મતથી તેણે આખરે પોલીસ મથક સુધી પહોંચી ન્યાયની ગુહાર લગાવી છે.

સંખેડા પોલીસે આ મામલે ગેંગરેપ, એટ્રોસિટી અને મદદગારીની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી છે. હાલ આ સમગ્ર સંવેદનશીલ કેસની તપાસ એસ.સી.એસ.ટી. સેલના છોટાઉદેપુર ડીવાયએસપી ડી.કે. રાઠોડ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

મારા પરના આક્ષેપો પાયાવિહોણા, હું સ્વખર્ચે નાર્કો ટેસ્ટ કરાવવા તૈયારઃ એડવોકેટ

બીજી બાજુ એડવોકેટ હિતેશ ગુપ્તાએ તમામ આરોપોને નકારી કાઢતા જણાવ્યું છે કે તેમની ઉપર કરવામાં આવેલા આક્ષેપો સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા છે. આ કેસની કડી ક્યાંને કયા ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોર્પોરેટર આશિષ જોશી સામે સંખેડા પોલીસ મથકે પોલીસ ઈંસ્પેક્ટર જે.યુ. ગોહિલે ખોટી ફરિયાદ નોંધી હતી જેની સામે મેં વકીલ તરીકે આશિષ જોશી માટે હું લડ્યો હતો અને તેમને નામદાર સેશન્સ કોર્ટે જામીન આપી પોલીસની ટીકા કરી હતી.

મેં એ મામલે હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી છે. જેની આગામી 25 તારીખના રોજ એની સુનાવણી છે, ત્યારે ગઈકાલે મારી પર બળાત્કાર નહી પરંતુ ગેગરેપની ફરિયાદ નોંધી છે. ફરિયાદમાં જે સ્થળ દેખાડવામાં આવ્યું છે તે ગોલાગામડી ખાતે હું મારા જીવનમાં કયારે ગયો પણ નથી અને મેં જોયું પણ નથી હું પોલીસ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવાની સાથે પોતાના ખર્ચે નાર્કો ટેસ્ટ કરાવવાની પણ તૈયારી દર્શાવું છું.