Chhota Udepur News: છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના સુસ્કાલ ગામેથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં એક પિતાએ પોતાના જ 8 વર્ષીય માસૂમ પુત્રનું ગળું દબાવીને ઓરસંગ નદીના પાણી ભરેલા ખાડામાં ફેંકી હત્યા કરી નાખી છે. પુત્રની હત્યા કર્યા બાદ હત્યારા પિતાએ પોતાના ગળા પર બ્લેડ મારીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચાવી દીધી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, સુસ્કાલ ગામે ઓરસંગ નદીના કિનારે જયેશભાઈ નાયકા નામના શખ્સે પોતાના જ પુત્રને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ હુમલામાં માસૂમ પુત્રનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પુત્રની હત્યા કર્યા પછી પિતાએ પોતાની જાતને ઈજા પહોંચાડવા માટે ગળા પર બ્લેડ મારી દીધી હતી, જેના કારણે તેઓ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા.
આ પણ વાંચો
સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા ઇજાગ્રસ્ત પિતાને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર અર્થે વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
પાવીજેતપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. એલ.પી. રાણાના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં આ દુર્ઘટના પાછળ પારિવારિક અને માનસિક તણાવ હોવાનું બહાર આવ્યું છે. બાળકના પિતાની પત્ની અગાઉ ઘર છોડીને ચાલી ગઈ હોવાથી તેઓ એકલા જ બાળક સાથે રહેતા હતા.
પિતા સતત માનસિક તાણ અનુભવતા હતા કે તેઓ પોતાના પરિવારને યોગ્ય સુખ આપી શકતા નથી. "મારા પછી મારા બાળકનું શું થશે?" તેવા અતિશય નકારાત્મક વિચારોથી ઘેરાયેલા હોવાને કારણે તેમણે આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.
આ મામલે મૃતક બાળકના પરિવારજન અશોકભાઈ વિઠ્ઠલભાઈ નાયકાની ફરિયાદના આધારે પાવીજેતપુરમાં પોલીસે ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી છે. પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને સાક્ષીઓના નિવેદનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. આ ઘટનાએ માનસિક સ્વાસ્થ્ય અને તેના ગંભીર પરિણામો અંગે સમાજ સમક્ષ મોટો સવાલ ઊભો કર્યો છે.
