મોરબીમાં ફોટાવાળી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાહેર: 12 નવેમ્બરે મુસદ્દા યાદી પ્રસિદ્ધ થશે, 11 ડિસેમ્બર સુધી દાવા-વાંધા સ્વીકારાશે

મોરબી જિલ્લામાં 2027ની વિધાનસભા ચૂંટણી માટે ફોટાવાળી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાહેર કરાયો છે. 12 નવેમ્બરે મુસદ્દા યાદી પ્રસિદ્ધ થશે અને 11 ડિસેમ્બર, 2026 સુધી દાવા-વાંધા રજૂ કરી શકાશે, જેની આખરી યાદી 4 જાન્યુઆરી, 2027ના રોજ જાહેર થશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 25 Oct 2026 06:52 PM (IST)Updated: Sun, 25 Oct 2026 06:52 PM (IST)
morbi-electoral-roll-revision-2027-draft-voters-list-to-release-on-nov-12

Morbi Electoral Roll 2027: ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર જે રાજ્યોમાં SIRની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, તેવા રાજ્યોમાં 1 જાન્યુઆરી, 2027 લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2027 જાહેર કરવામાં આવ્યો છે. આ વિશેષ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય એક પણ પાત્ર નાગરિક નોંધણીથી વંચિત ન રહે અને કોઈ બિનપાત્ર વ્યક્તિનું નામ ન જોડાય તે સુનિશ્ચિત કરવાનો છે.

આ કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લાના 65-મોરબી, 66-ટંકારા અને 67-વાંકાનેર વિધાનસભા મતદાર વિભાગમાં આગામી 12 નવેમ્બરના રોજ મુસદ્દા મતદાર યાદીની સત્તાવાર પ્રસિદ્ધિ કરવામાં આવશે.


આ પ્રસિદ્ધિ સાથે જ 12 નવેમ્બરથી 11 ડિસેમ્બર, 2026 દરમિયાન નાગરિકો અને રાજકીય પક્ષો પોતાના દાવા અને વાંધા રજૂ કરી શકશે. પ્રાપ્ત થયેલા તમામ દાવા-વાંધાઓનો આખરી નિકાલ આગામી 28 ડિસેમ્બર, 2026 સુધીમાં કરી દેવામાં આવશે. જે બાદ 4 જાન્યુઆરી, 2027ના રોજ આખરી મતદાર યાદી જાહેર કરાશે.

લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-1950 અને મતદાર નોંધણી નિયમો-1960 ઉપરાંત ભારતના બંધારણની કલમ-326માં થયેલ જોગવાઈઓને આધીન રહી મતદારયાદી સુધારણા અંતર્ગત બિન-નોંધાયેલા પાત્ર નાગરિકો તેમજ તા. 01/01/2027 અને આગામી ત્રણ પાત્રતા તારીખો (1 એપ્રિલ, 1 જુલાઈ, ૧ ઓક્ટોબર, 2027)ના રોજ પાત્ર બનનાર સંભવિત મતદારો મામલતદાર કચેરી, મતદાર નોંધણી અધિકારીની કચેરી અથવા પોતાના બૂથ લેવલ ઓફિસર (BLO) નો સંપર્ક કરી અરજી તથા હક્ક દાવા રજૂ કરી શકશે.

નાગરિકોને પોતાની યાદીની વિગતો BLO પાસે ચકાસી લેવા અપીલ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, આગામી તા. 01/11/2026ના રોજ HTAT (Special Competitive Examination) હોવાથી તે દિવસનું સ્પેશિયલ કેમ્પેઈન રદ્દ કરવામાં આવ્યું છે, તેમ મોરબી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની યાદીમાં જણાવાયું છે.