Vadodara: વડોદરામાં અકસ્માતના બનાવોમાં ચિંતાજનગ વધારો થઈ રહ્યો છે. દરરોજ બેફામ દોડતા ભારે વાહનો અકસ્માત સર્જીને નિર્દોષ નાગરિકોના ભોગ લઈ રહ્યા છે, ત્યારે હવે શહેરના GSFC વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં પુરપાટ દોડતા ડમ્પરે અડફેટે લેતા એક્ટિવા સવાર યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, વડોદરા શહેરના GSFC સર્કલ પાસેથી એક યુવાન પોતાના એક્ટિવા વાહન પર સવાર થઈને પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા એક ડમ્પરના ચાલકે પોતાના વાહનને બેફામ રીતે હંકારીને એક્ટિવા સવારને જોરદાર ટક્કર મારી હતી.
ટક્કર એટલી ભયાનક હતી કે, એક્ટિવા સવાર યુવાન રોડ પર ફંગોળાઈ ગયો હતો અને તેનું માથું સીધું ડમ્પરના પાછળના તોતિંગ પૈડા નીચે આવી ગયું હતું. માથું કચડાઈ જવાથી યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
જે બાદ ડમ્પર ચાલક પોતાની નૈતિક જવાબદારી ભૂલીને અને કાયદાના ડરથી ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. હિટ એન્ડ રનની આ ઘટનાએ ફરી એકવાર વાહન ચાલકોની લાપરવાહી અને ટ્રાફિક નિયમોના સરેઆમ ભંગને ઉજાગર કર્યું છે.
દિવસના વ્યસ્ત સમય દરમિયાન બનેલી આ ગોઝારી ઘટનાના પગલે આસપાસના રહીશો અને રાહદારીઓની ભારે ભીડ એકત્ર થઈ ગઈ હતી. મૃતકની લાશની દુર્દશા અને અકસ્માતની ભયાનકતા જોઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સ્ટેશનનો કાફલો અને ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.
પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આ સાથે જ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવવાની અને ફરાર થઈ ગયેલા ડમ્પર ચાલકની ઓળખ મેળવીને તેને ઝડપી પાડવાની સઘન શોધખોળ શરૂ કરી છે. પોલીસ દ્વારા ડમ્પરના નંબરના આધારે તેના માલિક અને ચાલક વિરુદ્ધ કાયદેસરની ગુનાહિત કાર્યવાહી કરવામાં આવી રહી છે.
