'તું મરવા પડી છે, જીવે છે કેમ..?' કહી યુવકે ત્રાસ ગુજારતા મેઘાણીનગરની યુવતીનો આપઘાત, સ્યુસાઈડ નોટ લખી સાબરમતી નદીમાં ઝંપલાવ્યું

અમદાવાદના મેઘાણીનગરની યુવતી દેવાંશીએ પાડોશી હર્ષ ચૌહાણના ત્રાસથી કંટાળી સાબરમતી નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો. સ્યુસાઈડ નોટ મળ્યા બાદ પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 25 Oct 2026 06:06 PM (IST)Updated: Sun, 25 Oct 2026 06:06 PM (IST)
ahmedabad-news-meghani-nagar-girl-dies-by-suicide-in-sabarmati-river-after-harassment

Ahmedabad: શહેરના મેઘાણીનગર વિસ્તારમાં રહેતી યુવતીએ પાડોશમાં રહેતા યુવકના અસહ્ય ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. ગત 17 ઓક્ટોબરના રોજ યુવતીએ સાબરમતી નદીમાં ઝંપલાવી જિંદગી ટૂંકાવી દીધી હતી. જો કે અંતિમ પગલું ભરતા પહેલા યુવતીએ લખેલી સ્યુસાઈડ નોટ મળી આવતા આખરે તેના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ અંગે મૃતક યુવતીના ભાઈએ સાબરમતી ઈસ્ટ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમની બહેન દેવાંશી (23) અને મેઘાણીનગર છેલ્લા બસ સ્ટેન્ડ નજીક રહેતો હર્ષ ચૌહાણ સ્કૂલમાં સાથે અભ્યાસ કરતા હોવાથી બન્ને એકબીજાથી પરિચિત હતા.

2022માં દેવાંશીનો અકસ્માત થયો હોવાથી તેને સિવિલમાં દાખલ કરવામાં આવી હતી. આ સમયે દેવાંશીના વોટ્સએપ સ્ટેટસમાં હર્ષ સાથેનો ફોટો મૂકેલો જોતા પૂછપરછ કરી હતી. જેથી દેવાંશીએ હર્ષે ફોન ઝૂંટવી લઈને જાતે જ ફોટો મૂક્યો હોવાનું અને પોતાને હેરાન કરતો હોવાનું જણાવ્યું હતુ.

આજથી બે વર્ષ પહેલા મેઘાણીનગર બસ સ્ટેન્ડ નજીક બન્ને વચ્ચે માથાકૂટ થતાં હર્ષે દેવાંશીને લાફો મારી દીધો હતો. જેના પગલે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જો કે હર્ષના માતા-પિતાએ ખાતરી આપતા ફરિયાદ નોંધાવી નહતી.

અકસ્માત બાદ દેવાંશીને ગાદી અને મણકાની તકલીફ હોવાથી તે મોટાભાગે ઘરમાં જ રહેતી હતી. છેલ્લા 25 દિવસથી તે ગાંધીનગરમાં વાવોલમાં રહેતા ફોઈના ઘરે ગઈ હતી. આ દરમિયાન 10 દિવસ પહેલા હર્ષ અચાનક દેવાંશીના ઘરે પહોંચી ગયો હતો. જ્યાં તેણે દેવાંશીના પિતાને કહ્યું હતું કે, દેવાંશી મારી મંગેતરને મેસેજ કરે છે, તો તે બંધ કરાવી દેજો. બીજા દિવસે એટલે કે 17 ઓક્ટોબરે બપોરના સમયે દેવાંશી વાવોલથી નીકળી ગઈ હતી. જે બાદ સાબરમતી નદીમાંથી તેની લાશ મળી આવતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો.

જો કે તપાસ દરમિયાન દેવાંશીના હાથથી લખેલી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં અંતિમ પગલું ભરતા પહેલા દેવાંશીએ હર્ષ પોતાને હેરાન કરતો હોવાનો તેમજ તું મરવા પડી છે, જાતે મરી જા, કેમ જીવે છે, તારે જીવવાનો કોઈ અધિકાર નથી કહીને મેણા મારીને મરવા મજબૂર કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.