ગાંધીનગરમાં ‘બાળ સુરક્ષા સેવા સંકલ્પ સંમેલન-2026’ યોજાયું: ‘બાળ મિત્ર’ એપ અને નવી વેબસાઇટ લોન્ચ, દિવ્યાંગોને AI ગ્લાસીસનું વિતરણ

ગાંધીનગરમાં 'રાજ્ય કક્ષાનું બાળ સુરક્ષા સંકલ્પ સંમેલન-2026' યોજાયું, જેમાં 'બાળ મિત્ર' એપ અને નવી વેબસાઇટ લોન્ચ કરાઈ. મંત્રીઓએ બાળ સુરક્ષા, ડિજિટલ પડકારો અને સુધારેલી બાળ સંરક્ષણ નીતિ 2026 પર ભાર મૂક્યો, સાથે જ દિવ્યાંગોને AI ચશ્માનું વિતરણ થયું.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 28 Oct 2026 06:34 PM (IST)Updated: Wed, 28 Oct 2026 06:34 PM (IST)
bal-suraksha-seva-sankalp-sammelan-2026-gujarat-launches-bal-mitra-app-and-ai-glasses

Gandhinagar News: સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ઉપક્રમે 'સુરક્ષિત બાળક, સશક્ત સમાજ, સમૃદ્ધ રાષ્ટ્ર' ની નેમ સાથે ગાંધીનગર ખાતે ‘રાજ્ય કક્ષાનું બાળ સુરક્ષા સંકલ્પ સંમેલન-2026’નું આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતા તથા રાજ્ય મંત્રી ડૉ. મનીષાબેન વકીલની વિશેષ ઉપસ્થિતિમાં આ મહત્વપૂર્ણ કાર્યક્રમ સંપન્ન થયો હતો. 

આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું કે, બાળકો માત્ર દેશનું ભવિષ્ય જ નહીં, પરંતુ વર્તમાન પણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત 2047'ના સંકલ્પને સાકાર કરવા માટે દેશના દરેક બાળકનું સુરક્ષિત, શિક્ષિત અને સંસ્કારી હોવું અનિવાર્ય છે. મંત્રીએ બાળપણને અમૂલ્ય ગણાવતા વધુમાં ઉમેર્યું હતું કે, બાળ સુરક્ષા એ માત્ર કાયદાકીય બાબત નથી, પરંતુ સમાજ, શાળા, પરિવાર અને સરકારની સામૂહિક જવાબદારી છે.

વધુમાં મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ વર્તમાન સમયમાં ડિજિટલ સાયબર સુરક્ષા, 'ગુડ ટચ-બેડ ટચ'ની સમજણ અને ચાઇલ્ડ હેલ્પલાઇન -1098 અંગે જાગૃતિ કેળવવા પર ખાસ ભાર મૂક્યો હતો. મંત્રીએ વાલીઓને અપીલ કરી હતી કે, તેઓ બાળકો સાથે સતત સંવાદ અને વિશ્વાસનું વાતાવરણ ઊભું કરે, જેથી બાળકો ડિજિટલ માધ્યમોનો સુરક્ષિત અને જવાબદાર ઉપયોગ કરી શકે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતના દરેક બાળકને ભયમુક્ત, શોષણમુક્ત અને સમાન તકોથી સભર વાતાવરણ પૂરું પાડવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.  

સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી ડૉ. મનીષાબેન વકીલે બાળ સુરક્ષા અને કલ્યાણની નીતિઓ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, વર્ષ-2026ની સુધારેલી 'ચાઇલ્ડ પ્રોટેક્શન પોલિસી'નું લોન્ચિંગ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે અત્યંત મહત્વની સાબિત થશે. તેમણે વર્તમાન ડિજિટલ યુગના પડકારો પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, સોશિયલ મીડિયાના અતિશય ઉપયોગ અને સ્માર્ટફોનની લતને કારણે બાળકોમાં વધતી જતી સ્થૂળતા, સાયબર બુલિંગ અને માનસિક તાણ જેવા ગંભીર પ્રશ્નો સામે આવ્યા છે.

આ સમસ્યાના નિવારણ માટે તેમણે બાળકોમાં પુસ્તક વાચનની ટેવ કેળવવા, લાઇબ્રેરીનો ઉપયોગ વધારવા તેમજ વાલીઓએ બાળકો સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવીને તેમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવા પર ભાર મૂક્યો હતો.

સંમેલનમાં બાળ લગ્નની કુપ્રથા અંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં બાળ લગ્નના દરમાં ઘટાડો થયો છે. નાની વયે થતા લગ્નોને કારણે બાળકીઓના સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડે છે. જેના કારણે કુપોષણ અને માતા - બાળ મૃત્યુદરમાં વધારો થાય છે. આ કુરિવાજને ડામવા માટે માત્ર કાયદાકીય પગલાં જ નહીં, પરંતુ સામાજિક જાગૃતિ અને 'બાલિકા પંચાયત' જેવા સાર્થક અભિગમો દ્વારા દીકરીઓને વધુ શિક્ષિત અને સશક્ત બનાવવી ખૂબ જરૂરી છે.

આ પ્રસંગે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન ડૉ. ધર્મિષ્ઠાબેન ગજ્જરે સ્વાગત ઉદ્દબોધન કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી.

મંત્રી સહિત મહાનુભાવોના હસ્તે બાળ અધિકારો અંગે જાગૃતિ લાવવા માટે આયોગની નવી વેબસાઇટ અને ‘બાળ મિત્ર’ મોબાઇલ એપ્લિકેશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. સાથે જ, બાળ અધિકારો અંગે માર્ગદર્શન પૂરું પાડતી બાળ અધિકાર માર્ગદર્શિકાનું વિમોચન અને વિઝન ક્ષતિ ધરાવતા દિવ્યાંગજનો માટે આધુનિક AI ગ્લાસીસનું સ્વૈચ્છિક સંસ્થાના સહયોગથી વિતરણ કરવામાં આવ્યું હતું. 

આ કાર્યક્રમમાં પાલક માતા-પિતા યોજનાના લાભાર્થીઓ, રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ મેળવનાર બાળ પ્રતિભાઓ અને બાળ અધિકાર ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ‘બાળ મિત્રો’નું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે બાળ સંભાળ સંસ્થાઓ (CCI) ના બાળકો દ્વારા તૈયાર કરાયેલી આકર્ષક હસ્તકલા અને સર્જનાત્મક કૃતિઓનું પ્રદર્શન યોજાયું હતું, જેને મંત્રીશ્રીઓ તથા ઉપસ્થિત મહાનુભાવોએ ખુબ બિરદાવ્યું હતું.