Mahemdabad Accident: ખેડા જિલ્લામાંથી પસાર થતાં અમદાવાદ-ડાકોર હાઈવે પર આવેલા મુવાડી પાટીયા નજીક આઈસર ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બાઈક પરથી ફંગોળાયેલી બે મહિલાઓના મોત નીપજ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, અમદાવાદ-ડાકોર હાઈવે પર રોડ પરના ખાડા પુરવાની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન મહેમદાવાદ તાલુકાના કેશરા ગામના મુવાડી પાટીયા પાસે માંતેલા સાંઢની માફક દોડતા આઈસર ટ્રકના ચાલકે બાઈકને ટક્કર મારી હતી. જેના પગલે બાઈક પર સવાર બન્ને મહિલાઓ ફૂટબોલ માફક ફંગોળાઈને નીચે પટકાઈ હતી.
આ અકસ્માત ગંભીર ઘાયલ બન્ને મહિલાઓના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ અકસ્માતને પગલે સ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. બીજી તરફ અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે બન્ને મહિલાઓના મૃતદેગને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને આગળની તપાસ હાથ ધરી છે.
રોડ પર ખાડા પુરવાની કામગીરી ચાલી રહી હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા યોગ્ય સાઈન બોર્ડ્સ કે બેરિકેડ મૂકવામાં ના આવતા અકસ્માત સર્જાયો હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવાની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
