MLC ચૂંટણીમાં કોંગ્રેસના રકાસ પર ભાજપનો કટાક્ષ: 'રાહુલ ગાંધી પાસે મતદાતાઓનું સમર્થન મેળવવાની ક્ષમતા જ નથી બચી'

MLC Election Results Rahul Gandhi BJP: MLC ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શન બાદ ભાજપે રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે. ભાજપે જણાવ્યું કે બેલેટ પેપરથી મતદાન છતાં કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી નથી, જે તેમની રાજકીય સ્થિતિ દર્શાવે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 28 Oct 2026 05:40 PM (IST)Updated: Wed, 28 Oct 2026 05:40 PM (IST)
bjp-slams-rahul-gandhi-over-congress-loss-in-mlc-polls-held-via-ballot-paper

MLC Election Results: સમગ્ર દેશમાં મતદાર સુધારણા પ્રક્રિયાને લઈને ભાજપ અને વિપક્ષી પાર્ટીઓ સામ-સામે આવી ગઈ છે. છેલ્લા ઘણાં સમયથી બેલેટ પેપરથી વોટિંગ કરાવવાની માંગ કરી રહી છે. એવામાં તાજેતરમાં જ ચાર રાજ્યની 28 બેઠકો પર MLC ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ જતાં ભાજપે રાહુલ ગાંધીને આડેહાથ લીધા છે.

હકીકતમાં ઉત્તર પ્રદેશ, બિહાર અને કર્ણાટક સહિતના રાજ્યોમાં 28 બેઠકો પર MLCની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપ અને NDA ઉમેદવારોનું પ્રદર્શન સારું રહ્યું છે. મોટાભાગની બેઠકો પર ભાજપે કબજો કર્યો છે. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના ફાળે કેટલીક બેઠકો જરૂર આવી છે, પરંતુ કોંગ્રેસ તો એક પણ બેઠક જીતી નથી શકી.

ચૂંટણી પરિણામ સાથે જ દેશમાં અસ્થિરતા ફેલાવવાનું કોંગ્રેસનું સપનું રોળાયું

આ પરિણામ બાદ ભાજપ સાંસદ અને પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કોંગ્રેસને પ્રદર્શન પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે, રાહુલ ગાંધી અને કોંગ્રેસે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર ખોટા આરોપો ઘડીને બદનામ કરવાનું કામ કર્યું છે. જો કે MLC ચૂંટણીના પરિણામોએ કોંગ્રેસના દેશનું અસ્થિરતા ફેલાવવાનું સપનું રોળી નાંખ્યું છે. ખાસ વાત એ છે કે, 28 બેઠકો પર MLC ચૂંટણીમાં બેલેટ પેપેરથી મતદાન થયું. આમ છતાં કોંગ્રેસ એક પણ સીટી જીતી શકી નથી.

ભારતની ચૂંટણી પ્રક્રિયાને લઈને ભ્રામક દાવાઓ કરવાની જગ્યાએ કોંગ્રેસે પ્રજાની વચ્ચે જઈને મહેનત કરવી જોઈએ. રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી પ્રક્રિયા પર સવાલ ઉઠાવીને સમગ્ર દેશમાં ભ્રમ અને અસ્થિરતા પેદા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ ચૂંટણીના પરિણામોએ કોંગ્રેસની રાજકીય સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે.

બેલેટ પેપરથી મતદાન છતાં કોંગ્રેસનો રકાસ

વધુમાં ભાજપ સાંસદે જણાવ્યું કે, આ ચૂંટણી બેલેટ પેપરથી કરવામાં આવી હોવા છતાં કોંગ્રેસનો રકાશ થયો છે. જો કોંગ્રેસ નેતાઓની ભાષામાં કહીએ તો, પાર્ટી પોતાનું અસ્તિત્વ સાબિત કરાવવામાં સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. આ પરિણામથી સાબિત થાય છે કે, કોંગ્રેસ પાસે કોઈ પણ ચૂંટણીમાં જનતા અને મતદાતાઓનું સમર્થન મેળવવાની ક્ષમતા જ નથી રહી, પછી ચૂંટણી બેલેટ પેપરથી થાય કે પછી EVMથી થાય.